ટ્રફાલ્ગર સ્ક્વેરમાં યોગ ઇવેન્ટઃ ૭૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

Tuesday 18th June 2024 05:50 EDT
 
 

લંડનઃ સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૧ જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લંડનસ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ૧૬ જૂન રવિવારે યોગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામી સહિત ૭૦૦થી વધુ લોકોએ વરસતા વરસાદમાં પણ યોગ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી વાર્ષિક ઉજવણીમાં સમગ્ર વિશ્વમાં લૈંગિક સમાનતા અને સ્ત્રી સશક્તિકરણને આગળ વધારવામાં યોગની ભૂમિકાને દર્શાવવા આ વર્ષનું થીમ ‘યોગ ફોર વિમેન એમ્પાવરમેન્ટ’ રખાયું છે.

આ યોગ ઈવેન્ટની અભૂતપૂર્વ સફળતા બાબતે આનંદ દર્શાવતા ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, ‘લંડનના હૃદય સમાન આ વિસ્તારમાં આસપાસ મહાન સ્મારકોની મધ્યમાં 700થી વધુ લોકોની ઉપસ્થિતિ ભારે આનંદની વાત છે. આ યોગાભ્યાસમાં અહીંની સંખ્યાબંધ યોગ સ્કૂલોએ હાજરી આપી બધાને દોરવણી આપી હતી.’

હાઇ કમિશનર દોરાઇસ્વામીએ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના સંદેશા કે યોગ એકતા લાવે છે અને સહુ કોઈ માટે છેનો ઉલ્લેખ કરી કોમ્યુનિટીની વૈવિધ્યપૂર્ણ સહભાગિતા પર ભાર મૂક્યો હતો. અગાઉના વર્ષોની સરખામણીએ શું તફાવત જણાય છે તેવા પ્રશ્નના ઉત્તરમાં હાઈ કમિશનરે જણાવ્યું હતું કે ભાગ લેનારાની સંખ્યા વધી છે, યોગ સ્કૂલ્સ જોડાઈ છે અને વિવિધ કોમ્યુનિટીઓની હાજરી જણાય છે. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભાગ લેવામાં મતભેદો પર ધ્યાન આપવાના બદલે મુખ્ય ધ્યાન સાજા થવા અને વ્યક્તિના વિકાસમાં યોગની ભૂમિકા પર કેન્દ્રિત થયેલું છે.

યુકેના નાગરિક ઈન્દરપાલ ઓહરીએ આ વર્ષના સ્ત્રી સશક્તિકરણ થીમ તેમજ ભારતીયો અને એશિયનો માટે યોગનું મહત્ત્વ તેમના વારસા, સાંસ્કૃતિક સંપર્કને આગળ વધારવાના મહત્ત્વપૂર્ણ હિસ્સા તરીકે હોવાનું સ્પષ્ટ કર્યું હતું. તેમણે ગ્રેટ બ્રિટન સામે ક્રિકેટ મેચીસ રમનારા ઈન્ડિયન ક્રિકેટ ડેફ ટીમના સભ્યોની ઉપસ્થિતિનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter