ઠાકોર સમાજે ડીજે પર તો પાટીદાર સમાજે વરઘોડા પર પ્રતિબંધ મૂક્યો

Sunday 12th March 2023 01:44 EST
 
 

પાલનપુર-નડિયાદઃ સમાજમાં ઘર કરી ગયેલાં દૂષણો ૫૨ નિયંત્રણ માટે વિવિધ જ્ઞાતિ સમાજ દ્વારા નવતર પહેલો કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના ભાભરના લુણસેલા ગામમાં સદારામ બાપાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઠાકોર સમાજે કુંવારી દીકરીઓને મોબાઇલથી દૂર રાખવા સહિતના 11 સંકલ્પ લીધા હતા. તો બીજી તરફ નડિયાદ તાલુકાના પીપલગ ગામે મધ્ય ગુજરાત લેઉઆ પાટીદા૨ સમાજના વિવિધ ઘટકોની બેઠકમાં દારૂના દૂષણ પર અંકુશ મૂકવા માટે લગ્નપ્રસંગોમાં વરઘોડા બંધ ક૨વાનો નિર્ણય લેવાયો છે.
ઠાકોર સમાજના કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વાવના ધારાસભ્ય ગેનીબેન સહિત અન્ય રાજકીય આગેવાનો સંતો અને મહંતોની હાજરીમાં તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. ઠાકોર સમાજે વિવિધ 11 મુદ્દા પર પ્રતિજ્ઞા લીધી હતી. ભાભરના લુણસેલા ખાતે થોડા દિવસ પૂર્વે સંત શ્રી સદારામ બાપાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. સદારામ બાપાએ આખું જીવન વ્યસનમુક્તિ અને સમાજ સુધારણા માટે કર્યું હતું ત્યારે ઠાકોર સમાજ પણ એ જ રસ્તે ચાલે તેને લઈ વ્યસન મુક્તિ અને સમાજ સુધારણા માટે મંથન થયું હતું.
ઠાકોર સમાજની બેઠકમાં જે સંકલ્પ લેવાયા હતા તેની ઝલકઃ • લગ્ન પ્રસંગમાં ડીજે ૫૨ પ્રતિબંધ પ્રતિબંધ • ઓઢામણું રોકડમાં આપવું • લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી વસ્તુઓ મર્યાદિત આપવી • સગાઈ અને લગ્નમાં 11 લોકોએ જ જવું. • જાનમાં 51 લોકો જ સામેલ કરવા. • દરેક ગામ દીઠ સમૂહલગ્નનું આયોજન, કુળ પ્રમાણે સમૂહલગ્નનું આયોજન. • બોલામણુ પ્રથા સદંતર બંધ. • સગાઈ સગપણની તોડ પ્રથામાં દંડની રકમ શિક્ષણ, સામાજિક કાર્યો માટે વા૫૨વી. • કુંવારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી. • લોકોને વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવવું. • અભ્યાસ માટે અપડાઉન કરતી દીકરીઓ માટે ગામના લોકોએ વ્યવસ્થા કરવી.
પાટીદાર સમાજના 34 ઘટકનો નિર્ણયઃ દારૂના દૂષણને તિલાંજલિ આપો
નડિયાદ પાસે પીપલગ ખાતે રવિવારે મળેલી મધ્ય ગુજરાત લેઉઆ પાટીદાર સમાજના વિવિધ ઘટકોની બેઠકમાં નિષ્કર્ષ આવ્યો હતો કે, લગ્નોના વરઘોડામાં ત્રણ દાયકાથી ઘર કરી ગયેલા દારૂના વ્યસનને કારણે અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં હજારો યુવાનો વ્યસની બની ગયા છે. દારૂનું ચલણ એ હદે વકર્યું છે કે મધ્યમ વર્ગે આ માટે અલગ બજેટ રાખવું પડે તેવી સ્થિતિ છે. દારૂના મૂળ સમા વરઘોડાને કાયમી તિલાંજલી આપવા મધ્ય ગુજરાત લેઉઆ પાટીદાર સમાજના 35 ઘટકના આગેવાનો સમંત થયા છે.
મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજના હિતેશ પટેલ જણાવ્યું હતું કે, વરઘોડાનું દૂષણ કરવા માટે દરેક ગામમાં એક કમિટી બનાવવામાં આવશે. જેને ત્યાં લગ્ન હોય તેના ઘરે જઇને વરઘોડો નહીં કાઢવા સમજાવશે. તેમ છતાં ના માને તો સમાજના આગેવાનો જઇને સમજાવશે. તેમજ સમાજમાં કેટલાંક નિયમ બનાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter