ડેનહામસ્થિત અનુપમ મિશનની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર ભક્તિસભર માહોલમાં યોજાયેલી ઉત્સવ ત્રિવેણીમાં ભક્તો, ભાવિકો અને રાષ્ટ્રપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે 15 ઓગસ્ટે ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રભક્તિના ઉલ્લાસ અને ઉંમંગ સાથે ઉજવણી થઈ હતી. તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં અનુપમ મિશનના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબજીના સાનિધ્ય ભારતના સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રપ્રેમી ભક્તોએ ધ્વજવંદન કર્યાં હતા.
અનુપમ મિશનની સૌ પ્રતિ આદર અને સૌહાર્દની જીવનભાવનાના દર્શન કરાવતા સર્વ પ્રથમ બ્રિટિશ યુનિયન જેકની ધ્વજવંદના થઈ અને બ્રિટિશ રાષ્ટ્રગીત ગવાયું હતું. અનુપમ મિશન–યુકેના વરિષ્ઠ ટ્રસ્ટી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિક યોગેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે બ્રિટિશ ધ્વજ લહેરાવવામાં આવ્યો. ત્યારબાદ સાધુ મનોજદાસના વરદ્ હસ્તે ભારતીય ત્રિરંગાને લહેરાવી ધ્વજવંદન અને ધ્વજસલામી કરી ઉપસ્થિત સહુ રાષ્ટ્રપ્રેમીઓઓએ ‘જન ગણ મન અધિનાયક જય હે...’ રાષ્ટ્રગીતને ઉમંગ અને ઉલ્લાસ સાથે ગાયું હતું.
ભારતના સ્વાતંત્ર્ય પર્વે યોજાયેલા રાષ્ટ્રવંદનાના આ કાર્યક્રમમાં ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ, ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી લેફ.જન. મોહિન્દર મોહન વાલિયા, સતીષભાઈ ચતવાણી, વિનોદભાઈ નકારજા સહિત અનેક ગણમાન્ય નાગરિકો, યુવાઓ અને બાળકો ધ્વજવંદન દ્વારા રાષ્ટ્રભક્તિ અદા કરવા ઉપસ્થિત થયા હતા.
રાષ્ટ્રવંદનાના આ ગૌરવશાળી પ્રસંગે સતિષભાઈ ચતવાણીએ સ્વાગત કર્યું હતું. સાધુ મનોજદાસજીએ સ્વાતંત્ર્ય સંગ્રામનો વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભારતના વિકાસ અને અમૃતકાળ દરમિયાન ભારતના સર્વાંગી ઉત્થાનને બિરદાવ્યું હતું.
અનુપમ મિશનના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબજીએ માતૃભૂમિ ભારતને વંદન કરી રાષ્ટ્રભક્તિના આ પર્વે આધ્યાત્મિક બોધ આપતા સૌને સદ્ગુણયુક્ત જીવનભાવના, જીવનદ્રષ્ટિ કેળવવા અને આત્માના દૈવી પ્રભાવની દિવ્ય સત્તાને જાગૃત કરવા આહ્વાન કર્યું.
રાષ્ટ્રવંદનાના આ આનંદપર્વે અનુપમ મિશન સાથે સેવાપ્રવૃત્ત પરિવારના બાળકો અને યુવા - યુવતીઓએ રાષ્ટ્રભક્તિના પ્રેરણાદાયી ગાન સાથે સંગીતમય નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. પ્રસ્તુતિના નિદર્શન અને નૃત્ય સંરચના પૂ. મેઘના તથા પૂ. આશ્કાએ કરી હતી. ધ્વજવંદના પછી મંદિરમાં શ્રી ઠાકોરજીની આરતી બાદ સહુએ સંધ્યાભોજન સ્વરૂપે પ્રભુના સાત્વિક પ્રસાદનો આનંદ માણ્યો હતો.
નવમા પાટોત્સવ મહાપર્વની ઉજવણી
એકાદશીના પવિત્ર દિને 16 ઓગષ્ટે અનુપમ મિશન-યુકેના મંદિરજીમાં બિરાજમાન શ્રીમુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની દિવ્ય મૂર્તિઓનો નવમો પાટોત્સવ મહાપર્વ ઉજવાયો. આ પવિત્ર પ્રસંગે પાટોત્સવ મહાપૂજામાં 125 જેટલા યજમાન યુગલોએ પવિત્ર શ્રાવણ માસમાં શાસ્ત્રોક્ત પાટોત્સવ મહાપૂજા વિધિનો લાભ
લીધો હતો. શ્રી ઠાકોરજી મહારાજના પાટોત્સવ પૂજાવિધિ પશ્ચાત્ પ્રભુની દિવ્ય મૂર્તિના દર્શન, સ્તુતિ, આરતી અને અન્નકૂટના દર્શન દ્વારા સૌ ભક્તોએ પ્રભુભક્તિનો આનંદ માણ્યો હતો. સંત ભગવંત સાહેબજીએ તેઓની ભગવદ્ પરીવાણી દ્વારા સહુને રૂડાં આશીર્વાદ પ્રદાન કર્યાં હતા.
પ.પૂ. હિંમતસ્વામીજીનો પ્રાગટ્યોત્સવ
તૃતિય મહાપર્વરૂપે 17 ઓગસ્ટની સંધ્યાએ ઠાકોરજી મહારાજની નિશ્રા અને સંત ભગવંત સાહેબજીની સંનિધિમાં અનુપમ મિશન-યુકેના મહંતશ્રી પૂજ્ય હિંમતસ્વામીજીનો 69મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો અને સંતોએ પરમ હિંમતસ્વામીજીના સાધુતાના સદ્ગુણોથી સભર દિવ્યજીવનનું મહિમાગાન કર્યું હતું. આ પ્રસંગે ભારતસ્થિત અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભક્તહૃદયી કલાકારો અમિતભાઈ ઠક્કર, દીપ્તિ દેસાઈ અને ધુતિબહેને દીપ અને ઋષિલ કોટેચાની સંગત સાથે સૌને ભક્તિસંગીતના શ્રવણ – આનંદ કરાવ્યો હતો.
પૂજ્ય હિંમતસ્વામીજીના પ્રાગટ્ય પર્વે અનુપમ મિશન સાથે સંલગ્ન પરિવારોના બાળકો, યુવાનો તથા યુવતીઓએ સ્વામીજીને હસ્તનિર્મિત પુષ્પગુચ્છ, કલાત્મક માળા તથા સુંદર ચિત્રો સહિત શુભેચ્છાપત્રો અર્પણ કર્યા હતા. આ પ્રસંગે હિંમતસ્વામીએ પ્રાર્થના કરતા ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ તથા સંત ભગવંત સાહેબજીના દિવ્યકાર્યને વંદન કરી પ્રભુ અને ગુરુહરિ સાહેબજીની પ્રસન્નતાની યાચના કરી હતી.
સંત ભગવંત ગુરુહરિ સાહેબજીએ આશીર્વચનો દ્વારા પૂજ્ય સ્વામીજીના જીવનને નૈમિષારણ્ય સમાન ગણાવ્યું. પૂજ્ય હિંમતસ્વામીજીના દિવ્યજીવન આચરણના મહિમા સમજાવતા પૂજ્ય સાહેબજીએ પૂજ્ય હિંમતસ્વામીને સાધુના કસબના કસબીરૂપે બિરદાવી તેઓના નિરામય દીર્ઘજીવન માટે આશીર્વાદ આપ્યા.