તીર્થધામ વડતાલના દર્શનાર્થે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા

Sunday 19th January 2025 14:06 EST
 
 

રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પ્રસિદ્ધ ભાગવત કથાકાર ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝા આવતા તેઓનું સ્વાગત શા. માધવપ્રિયદાસજી સ્વામી (એસજીવીપી-છારોડી), પુરાણી શા. બાલકૃષ્ણદાસજી સ્વામી, વડતાલધામના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, વડતાલધામના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌત્તમપ્રકાશદાસજી સ્વામી, શ્યામવલ્લભ સ્વામી, શુકદેવ સ્વામીએ કર્યું હતું.
રમેશભાઈ ઓઝાએ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, રણછોડરાય, ધર્મભક્તિ વાસુદેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીએ રમેશભાઈ ઓઝાને પ્રસાદીની પુષ્પમાળા, કંઠી, પ્રસાદીની શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
રમેશભાઈ ઓઝાએ સંતો સાથે મંદિર પરિસરમાં આવેલ પ્રસાદીની વસ્તુઓ, હરી મંડપ, સભા મંડપ, ગોપાળાનંદ સ્વામીના આશ્રમ, ગાદીસ્થાન વગેરે સ્થળોએ દર્શન કરી સંતો સાથે બેઠક મુલાકાત કરી હતી. ત્યારબાદ નૂતન અક્ષર ભૂવનનું શિલાપૂજન કર્યું હતું. આ પ્રસંગે હરિઓમ સ્વામી, ગોવિંદ સ્વામી (મેતપુર) ઉપસ્થિત હતા, તેમ સંત શ્યામ વલ્લભ સ્વામીએ જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter