લંડનઃ જૈન વિશ્વ ભારતી (JVB) લંડન દ્વારા 19 મેએ બોરહામવૂડના એલમ હોલ ખાતે તેરાપંથ જૈન સમાજના મુખ્ય પ્રણેતા પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજીના 50મા દીક્ષા દિવસના પવિત્ર પ્રસંગની ઉજવણી સન્યામ ચેતના દિવસ તરીકે કરવામાં આવી હતી. પૂજનીય સમાણી મલય પ્રજ્ઞાજી અને સમાણી નીતિ પ્રજ્ઞાજીના આશીર્વાદ અને પ્રેરણા સાથે JVB લંડન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સંયમ અને ચેતનાના આદર્શોથી પ્રેરિત આ પ્રસંગમાં લંડનના જ નહિ, યુરોપ સહિત જૈન સમુદાયના સભ્યો, મિત્રો અને સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રીજીના ગુણોને 36 ગુણ સ્કિટ, મહાશ્રમણ સ્કિટ, ભક્તિગીતો અને ઉપસ્થિત મહાનુભાવોની અંજલિઓ થકી પ્રદર્શિત કરાયા હતા.
સમાણી મલય પ્રજ્ઞાજી અને સમાણી નીતિ પ્રજ્ઞાજીએ આચાર્યશ્રીજીના ગુણોને આપણા જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો. આચાર્યશ્રીજીની ધાર્મિક સેવાથી માત્ર જૈન સમુદાયને જ નહિ, સમગ્ર વિશ્વને લાભ થયો છે. સમાણી નીતિ પ્રજ્ઞાજીએ આચાર્યશ્રીજીના ઘણા ગુણોની વિસ્તૃત સમજ આપી ભક્તિગીત દ્વારા આચાર્યશ્રીજીના પ્રખર વ્યક્તિત્વને ઓડિયન્સ સમક્ષ ઉજાગર કર્યું હતું. સમાણી મલય પ્રજ્ઞાજીએ આચાર્યશ્રીજીને વિશ્વના અગ્રણી સંતોમાં એક તરીકે વર્ણવી તેમની સરખામણી સૂર્ય સાથે કરી હતી. તેમણે આચાર્યશ્રીજીના પ્રત્યાયન કૌશલ્ય, ટાઈમ મેનેજમેન્ટ, મેન્ટરિંગ, સમસ્યા નિરાકર, અનુકૂલન, સ્વનિયંત્રણ અને હંમેશાં આનંદિત રહેવા સહિતના ગુણોનું વર્ણન કર્યું હતું.
આ કાર્યક્રમમાં બેલ્જિયમનિવાસી સુરેન્દરજી પટવારીનું સસ્ટેનેબલ ઈકોનોમી અને જૈન સમુદાયને યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું. સુરેન્દરજીએ તેમની સફળતાની કહાણીથી સૌને પ્રભાવિત કર્યા હતા. તેમણે ભાવિ પેઢીઓ પ્રતિ આપણા ઉત્તરદાયિત્વ બાબતે સમજ આપવા સાથે જૈનદર્શનના અપરિગ્રહના ઉપદેશનો ઉલ્લેખ કરી અંગત જરૂરિયાતો ઘટાડવા અને સમાજ પ્રત્યે જવાબદારી નિભાવવા વિનંતી કરી હતી.
આચાર્યશ્રીજીની દીક્ષાના પ્રસંગે યુકેના પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે પત્ર પાઠવી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જૈન વિશ્વ ભારતી લંડનના ટ્રસ્ટી જીત ધેલરીઆએ આ પત્ર વાંચી સંભળાવ્યો હતો. તેમણે મેગા કોમ્યુનિટી કાર્યક્રમના આયોજનમાં મુખ્ય સ્પોન્સર મુકુલ જૈન સહિત15 સ્પોન્સિંગ પરિવારોના સપોર્ટ અને ટીમ વર્કને બિરદાવ્યું હતું. ટ્રસ્ટીઓ જીત ધેલરીઆ, હસુ વોરા, ડો. રાજેશ જૈન, સુનિલ ડુગ્ગર, માનિક ચોરારીઆ, પ્રજ્ઞા દામાણી તેમજ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા અથાક મહેનત કરી હતી. રુપાલી ડુગ્ગર, શ્વેતા જૈન, અભિતાંશુ ખરે અને રવિ ઝવેરીએ માસ્ટર ઓફ સેરિમોનીઝની કામગીરી બજાવી હતી.