ગુજરાતમાં રહેતા જયેશ ઉપાધ્યાયને માટે 1991માં એક સમસ્યા ઉભી થઈ. તેમની પડોશમાં રહેતા વૃદ્ધ મહિલાને પગે ઈજા થઈ. તેઓ સાજા થાય તે પછી તેમને ચારથી છ અઠવાડિયા સુધી વોકરની મદદ લેવા જણાવાયું હતું. તેમને ઘરના બજેટમાંથી થોડાં વીક પછી બિનઉપયોગી થઈ જાય તેવું સાધન ખરીદવાનું પોષાય તેમ ન હતું. અચાનક જ જયેશ ઉપાધ્યાયને વિચાર આવ્યો કે થોડાં વીક કે મહિનાઓ પછી બિનઉપયોગી થઈ જાય તેવા તબીબી સહાય સાધનની આવી સમસ્યા વેઠતાં અન્ય હજારો લોકો હશે. દર્દીઓ તબીબી સારવાર માટે નાણાં ખર્ચતા હોય જ ત્યારે થોડા સમય માટે જરૂરી સાધનો પાછળનો તેમનો ખર્ચ બચી શકે તે માટે તેમણે આવા સાધનો પૂરા પાડતી ચેરિટી સ્થાપવાનો નિર્ણય લીધો. તેમણે પોતાના વતન રાજકોટમાં જ બોલબાલા ટ્રસ્ટ નામે ચેરિટીની સ્થાપના કરી.
31 વર્ષ પછી બોલબાલા ટ્રસ્ટ આ વિસ્તારની ટોચની બિનસરકારી સંસ્થા બની છે. હાલ ટ્રસ્ટ દ્વારા લોકોને ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, મશીન, ઓક્સિજન સિલિન્ડર, હોસ્પિટલ બેડ, વ્હીલચેર, સક્શન મશીન, બેકરેસ્ટ, વોકર, ટોઈલેટ ચેર, વોટરબેડ જેવા અલગ અલગ 58 પ્રકારના મેડિકલ આસિસ્ટન્સ હોમ ઈક્વિપમેન્ટ્સ થોડા સમય માટે ઉછીના આપવામાં આવે છે. ટ્રસ્ટે વિવિધ ઈક્વિપમેન્ટ્સમાં મૂડીરોકાણ કર્યું છે. તેમાંના કેટલાંક સાધનોની કિંમત એક યુનિટ દીઠ રૂ. 100,000 (GBP1000) જેટલી છે. ટ્રસ્ટે હોમ પેશન્ટ્સને થોડાં સમય માટે અપાતા આ સાધનો પાછળ કુલ રૂ. 50 million (GBP500,000)નું રોકાણ કર્યું છે. દર્દી પાસેથી આ સાધન આપવા માટે તેઓ એક પણ રૂપિયો ચાર્જ પેટે લેતા નથી.
જયેશ ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે હાલ ટ્રસ્ટ દરરોજ સરેરાશ 200 નવા દર્દીઓેને એક યા બીજા સાધનની સહાય આપે છે. આ પ્રકારે તેમણે અત્યાર સુધીમાં 200,000 થી વધુ લોકોને સાધનો આપ્યા છે.
ટ્રસ્ટે સ્થાનિક દર્દીઓને મદદ માટે ગોંડલ, જૂનાગઢ,જામનગર, વાંકાનેર તેમજ રાજકોટ શહેરના થોડાં વિસ્તારો સહિત આ છ અલગ સ્થળોએ તેની શાખા શરૂ કરી છે. કોઈપણ કિંમતના સાધનો ઉછીના આપવા માટે કોઈનો પણ રેફરન્સ આપવો જરૂરી હોતો નથી. જોકે, સાધનનો ઉપયોગ પૂરો થઈ જાય એટલે તે તરત જ ટ્રસ્ટને પાછું આપી દેવા માટે લોકોમાં જાગ્રતિ લાવવા માટે છેલ્લાં કેટલાંક વર્ષથી ડિપોઝિટ તરીકે ટ્રસ્ટ ખૂબ નજીવી રકમ લે છે. આ રકમ સંપૂર્ણ રિફન્ડેબલ હોય છે, જે સાધન પાછું અપાય એટલે ટ્રસ્ટ દ્વારા પૂરેપૂરી પાછી આપી દેવાય છે.
કેટલાંક અપવાદરૂપ કિસ્સામાં ટ્રસ્ટ ડિપોઝિટ પણ લેતું નથી. સિનિયર સિટીઝન ઈલાબેન મહેતા લાંબા સમયથી પથારીવશ છે. તેઓ તેમના પતિ પ્રમોદભાઈ સાથે રહે છે. તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ખૂબ મોંઘો હોસ્પિટલ બેડ ખરીદી શકે તેમ ન હતા. તેમને કોઈકે બોલબાલા ટ્રસ્ટ વિશે વાત કરતા ટ્રસ્ટે તેમને બેડ આપ્યો. ટ્રસ્ટે તેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિપોઝિટ પેટે એક પણ રૂપિયો લીધો ન હતો.
જયેશ ઉપાધ્યાય તેમના દાતાઓના પણ ખૂબ આભારી છે. તેઓ સાધનો ખરીદવા અને ટ્રસ્ટની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે ઉદાર હાથે ડોનેશન આપે છે. આ દાતાઓમાં યુકે અને અમેરિકાના ભારતીય ડાયસ્પોરા સહિતના લોકોનો સમાવેશ થાય છે. હાલ બોલબાલા ટ્રસ્ટ સફળતાપૂર્વક વિવિધ ક્ષેત્રે મોટાપાયે ચેરિટીની પ્રવૃત્તિઓ કરે છે. કોર્પોરેટ પદ્ધતિએ કાર્યરત આ ચેરિટી પ્રત્યે સૌને ખૂબ માન છે.