લંડનઃ ધામેચા લોહાણા સેન્ટરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીમાં ઐતિહાસિક મેળાવડો જોવાં મળ્યો હતો. દિતિ-કેતન કોટેચા પરિવાર દ્વારા જન્માષ્ટમીની 29મી ભવ્ય ઉજવણીને પૂજ્ય ભાઈશ્રી, પૂજ્ય સાહેબજી, પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદજી બાપુએ ખાસ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા જ્યારે જાણીતા ગાયિકા માયાબહેન દીપક દ્વારા પ્રાર્થના, ભજનો અને ગીતો સાથે ભક્તિરસની લહાણ કરવામાં આવી હતી.
ધામેચા લોહાણા સેન્ટરમાં 6 સપ્ટેમ્બર, 202ની સાંજે જન્માષ્ટમીની આધ્યાત્મિક, ભક્તિસભર અને સંગીતમય ભવ્ય ઉજવણીમાં સંખ્યાબંધ લોકોએ ઉપસ્થિત રહી જન્મોત્સવનો આનંદ માણ્યો હતો. આ ઉજવણીનું આયોજન સતત 29મા વર્ષે દિતિ અને કેતન રમણિકલાલ કોટેચા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. રમેશભાઈ ઓઝા પૂજ્ય ભાઈશ્રી, અનૂપમ મિશનના પરમપૂજ્ય સાહેબજી તથા જામનગરના શ્રી આનંદબાવા સેવા સંસ્થાના પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદજી બાપુએ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહી સહુને આશીર્વાદ આપ્યા હતા.
જાણીતા ગાયિકા માયાબહેન દીપક દ્વારા સુંદર પ્રાર્થના, ભજનો અને ગીતોની પ્રસ્તુતિ સાથે સાંજને ભક્તિરસથી તરબોળ કરી દેવાઈ હતી. તેમણે પોતાના સુમધૂર અવાજમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિને દર્શાવતી રચનાઓ રજૂ કરી ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી દીધું હતું. માયાબહેન બહુમુખી પ્રતિભા ધરાવતાં ગાયિકા છે અને ગુજરાતથી વિશ્વ સુધી પ્રખ્યાતિ ધરાવે છે. માયાબહેને વિઘ્નહર્તા અને રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના ‘વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ’ સાથે આરંભ કર્યો હતો અને પછી ‘વિઠ્ઠલા - વિઠ્ઠલા’ કીર્તનની રજૂઆત કરી હતી. તેમણે કૃષ્ણ અને સુદામાની અદ્ભૂત મૈત્રીને રજૂ કરતી રચના ‘નહિ રે જાણેલી કદી નહિ રે માનેલી’ પ્રસ્તુત કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ નામોને શાકભાજીના નામ સાથે સરખાવતી ગુજરાતી આરતી ‘કારેલામાં કૃષ્ણ જોયા રે’ને ઓડિયન્સે વધાવી લીધી હતી. સમગ્ર ઓડિયન્સ ‘શ્રીનાથજી કરું પ્રાર્થના મને પ્રેમ તારો આપજે, કાંઈ ખોટું કામ હું કરું ત્યારે તું મને વારજે’ ભજનમાં જાણે ખોવાઈ ગયું હતું.
આ પછી, માયાબહેન અને નીલેશભાઈએ લોકપ્રિય ભક્તિગીતો ‘શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ, લોગ કરે મીરા કો યું હી બદનામ. સાંવરે કી બંસી કો બજને સે કામ, રાધા કા ભી શ્યામ વો તો મીરા કા ભી શ્યામ...’, ‘શ્યામ તુઝે મિલને કા સત્સંગ હી બહાના હૈ, દુનિયાવાલે ક્યા જાને, મેરા રિશ્તા પુરાના હૈ ગોકુલ મેં ઢૂંઢા તુઝે મથુરા મેં પાયા હૈ...’, ‘કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કેશુ રે....’, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો...’ની રજૂઆત કરી હતી.
આ ઉપરાંત, માયાબહેને ઓડિયન્સને કૃષ્ણભક્તિમાં રસતરબોળ કરી દેતાં ‘મેરે સિર પર રખ દો બાબા, અપને યે દોનો હાથ, દેના હો તો દીજીયે જનમ જનમ કા સાથ....’, ‘ચલી ચલી સત્સંગ કી ગાડી ચલી....’, ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી મૈં ક્યું કાલા....’,‘ કભી રામ બન કે કભી શ્યામ બન કે ચલે આના પ્રભુજી ચલે આના...’, ‘મારા ઘટ ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહા પ્રભુજી...’ ભજનો પ્રસ્તુત કર્યાં હતાં.
તિલક અને પુષ્પહાર સમારંભ પછી પૂજ્ય સાહેબજીએ જણાવ્યું હતું કે,‘ કેતન અને દિતિબહેન જે રીતે ગત 29 વર્ષથી જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરતાં આવ્યાં છે ત્યારે તેઓ વિશેષ અભિનંદનને પાત્ર છે. આપણી સંસ્કૃતિ અને મૂલ્યોને મજબૂત બનાવવાનો આ સાચો પ્રયાસ છે.’
પૂજ્ય બાપુજીએ જણાવ્યું હતું કે,‘ એમ લાગે છે કે હવે ભક્તિભાવ પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યો છે. ઈશ્વર તમને આપવા તૈયાર જ બેઠા છે પરંતુ, પ્રશ્ન એ છે કે તમે તેમને શું અર્પણ કરો છો?’
પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું હતું કે,‘ કૃષ્ણ શાશ્વત શક્તિ છે. આપણો આત્મા પ્રકાશનો સ્રોત છે.’ આ ઉજવણીના યજમાન કેતન કોટેચાએ કહ્યું હતું કે,‘આ ઉજવણીમાં ત્રિવેણીસંગમ રચાયો છે કારણકે ત્રણ મહાસંતો - પૂજ્ય સાહેબજી, પૂજ્ય બાપુજી અને પૂજ્ય ભાઈશ્રી આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા છે.’
કૃષ્ણ જન્મોત્સવ સમયે ચાંદની અને સચિનનાં લાડકા પુત્ર અને કેતન અને દિતિ કોટેચાના પૌત્ર જીવનને સુંદર વેશભૂષા સાથે ‘કાનુડા’ના સ્વરૂપમાં રજૂ કરાયો હતો. રિદ્ધિ અને ધરમની નાનકડી પુત્રી રુહીએ વિવિધ ભજનો પર સ્વાભાવિક પરફોર્મન્સ કર્યું હતું.
સંજય રુઘાણીએ આ ઈવેન્ટનું સંચાલન કર્યું હતું. લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL)ના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણીએ દીપવંદનાથી આરંભ કર્યો હતો અને આભાર પ્રસ્તાવ સાથે સમાપન કર્યું હતું.