નવી દિલ્હીઃ પાટનગરની આગવી ઓળખ સમાન સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતથી અભિભૂત ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને કહ્યું હતું કે ‘અક્ષરધામમાં આવવું ખૂબ જ ખાસ છે. આ ભવ્ય મંદિરની મુલાકાત લેવી અને અહીં થયેલા અદ્ભુત કાર્યને જોવું ખરેખર પ્રેરણાદાયક છે. અમારા વ્યાવસાયિક અને સમુદાયના પ્રતિનિધિમંડળને અહીં લાવવું એ ખૂબ જ સન્માનની વાત છે. હું ન્યૂઝીલેન્ડમાં વસતાં બીએપીએસ સમુદાયનો આભાર માનું છું. મેં 2023 માં ઓકલેન્ડની મુલાકાત લીધી હતી, અને ન્યુઝીલેન્ડમાં શ્રદ્ધાની અભિવૃદ્ધિ અને વેલિંગ્ટનમાં નવા મંદિરની શરૂઆત જોવી અદ્ભુત છે. આ ખૂબ જ ખાસ બાબત છે.’ તેઓ સ્વામિનારાયણ અક્ષરધામના શાંતિપૂર્ણ વાતાવરણ અને આધ્યાત્મિક ઊંડાણથી પ્રભાવિત થયા હતા અને વિઝિટર ડાયરીમાં લખ્યું હતું: ‘સુંદર અને પ્રેરણાદાયક અક્ષરધામ મંદિરમાં અંજલિ આપવી એ મારા માટે જીવનનો મોટો લહાવો રહ્યો છે.’
ન્યૂઝીલેન્ડની સમૃદ્ધિમાં હિન્દુઓનું મોટું યોગદાનઃ લક્સન
સોશિયલ મીડિયા પર તેમણે ભારતીય સમુદાય માટે મંદિરના મહત્વનો પણ સ્વીકાર કર્યો: ‘ન્યૂઝીલેન્ડમાં હિન્દુ સમુદાયે આપણા દેશ માટે મોટું યોગદાન આપ્યું છે. આજે દિલ્હીમાં મેં બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં શ્રદ્ધાંજલિ આપી, જે ઘણા કિવી-ભારતીયો માટે પવિત્ર સ્થળ છે.’ વડાપ્રધાન લક્સને ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમુદાયના યોગદાનનો સ્વીકાર કરતા કહ્યું: ‘અમે તમારી ખૂબ પ્રશંસા કરીએ છીએ. ન્યૂઝીલેન્ડમાં સંસ્કૃતિ, સમાજ અને અર્થતંત્ર – એમ ઘણા સ્તરો પર તમારું યોગદાન દેશને સમૃદ્ધ બનાવી રહ્યું છે. તમે ન્યૂઝીલેન્ડને એક વધુ સારું અને વધુ સમૃદ્ધ સ્થાન બનાવ્યું છે.’
3 પ્રધાનો સાથે 110 સભ્યોનું ડેલિગેશન
ગયા મંગળવારે અક્ષરધામની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન લક્સન અને તેમની સાથે આવેલા 110 સભ્યોના વિશાળ પ્રતિનિધિમંડળનું અક્ષરધામમાં પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન લક્સને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં પુષ્પાંજલિ અર્પણ કરી સૌની શાંતિ, સદ્ધભાવના અને સુખાકારી માટે નીલકંઠવર્ણીને અભિષેક કર્યો હતો. વડાપ્રધાન સાથે આ મુલાકાતમાં વેપાર મંત્રી ટોડ મેકલે, વંશીય સમુદાય મંત્રી માર્ક મિશેલ અને પ્રવાસન મંત્રી લુઈસ અપસ્ટન પણ સામેલ થયા હતા.
ડેલિગેશનમાં સામેલ અન્ય મહાનુભાવોમાં સંસદીય સભ્યો એન્ડી ફોસ્ટર, કાર્લોસ ચિયુંગ, ડો. પરમજીત પરમાર, પ્રિયંકા રાધાકૃષ્ણન્ તેમજ ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર એચ.ઈ. પેટ્રિક રાટા વગરેનો સમાવેશ થતો હતો. વ્યાપારી પ્રતિનિધિમંડળમાં ન્યૂઝીલેન્ડની મુખ્ય કંપનીઓના ટોચના અધિકારીઓનો સમાવેશ થતો હતો.
મહંત સ્વામી મહારાજનો સંદેશ
પ.પૂ. મહંત સ્વામી મહારાજે આ પ્રસંગે વડાપ્રધાન લક્સનને પાઠવેલા શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું, ‘અક્ષરધામમાં તમારી ઉપસ્થિતિ અને આ મુલાકાતમાં વિતાવેલો સમય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેના તમારા આદરને પ્રતિબિંબિત કરે છે. અક્ષરધામ શ્રદ્ધા, એકતા અને સમાજની સેવાનો આધારસ્તંભ છે, અને તમારી મુલાકાતે સદ્ભાવના અને સંવાદિતાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો છે.’ મહંત સ્વામી મહારાજે ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમુદાયને આપેલા સમર્થન બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. આ ઉપરાંત, વડાપ્રધાન લક્સનના નેતૃત્વ, તેમના પરિવારની સુખાકારી અને ન્યૂઝીલેન્ડની શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી.
‘સત્સંગ દીક્ષા’ ગ્રંથની સ્મૃતિ ભેટ
વડાપ્રધાન લક્સનને મહંત સ્વામી મહારાજ દ્વારા લખાયેલ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથની માઓરી ભાષામાં અનુવાદિત પ્રારંભિક નકલ ભેટમાં અપાઈ હતી. યુગોથી વહેતી વૈદિક સનાતન હિન્દુ ધર્મની આધ્યાત્મિક પરંપરાને વિસ્તારીને, આચાર, વિચાર, વ્યવહાર અને આધ્યાત્મિક સાધનાના માર્ગદર્શનને સમાવતો મૂળ ગુજરાતીમાં રચાયેલો ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથ સ્વામિનારાયણ પરંપરાનો એક મૌલિક ગ્રંથ છે, જે સૌને આંતરિક શાંતિ, નિઃસ્વાર્થ સેવા અને આધ્યાત્મિક શિસ્તને અનુસરવા માટે પ્રેરણા આપે છે. માઓરી ભાષામાં તેનું ભાષાંતર બંને દેશો વચ્ચે ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.