લંડનઃ ભવન્સના દાતાઓ અને સમર્થકોમાં ઊંચેરું સ્થાન ધરાવતા શ્રી જોગિન્દર સંઘેરજીને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ અર્પવા અને તેમના જીવનને સન્માનવા ગુરુવાર 27 માર્ચે ધ ભવન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેઓ 25થી વધુ વર્ષ સુધી સંસ્થાના વાઈસ ચેરમેન અને એક દાયકા સુધી ચેરમેન તરીકે નિઃસ્વાર્થ ભાવે સેવા આપવા સાથે સેવા, સમર્પણ અને નેતૃત્વની ઝળહળતી વિરાસત છોડી ગયા છે.
ડો. એમ.એન. નંદકુમારા MBEની રાહબરી હેઠળ પ્રાર્થનાગાન સાથે ઈવેન્ટની સાંજનો આરંભ કરાયો હતો તેમજ રીમા (પુત્રી) અને કનિકા (પુત્રવધૂ)ના હસ્તે દીપપ્રાગટ્ય વિધિ કરવામાં આવ્યો હતો. હાઉસ ઓફ લોર્ડ્સના પૂર્વ ડેપ્યુટી સ્પીકર બેરોનેસ ઉષા પ્રાશર, હાઉસ ઓફ લોર્ડ્સમાં આજીવન ઉમરાવ લોર્ડ ધોળકીઆ, બિઝનેસમેન અને હાઉસ ઓફ લોર્ડ્સમાં આજીવન ઉમરાવ લોર્ડ ગઢીઆ, લેસ્ટર ઈસ્ટના પૂર્વ સાંસદ કિથ વાઝસ ઈલિંગ સાઉથોલના સાંસદ વિરેન્દ્ર શર્મા, હાઉસ ઓફ લોર્ડ્સમાં આજીવન ઉમરાવ લોર્ડ રેન્જર, હાઉસ ઓફ લોર્ડ્સમાં આજીવન ઉમરાવ અને લૂમ્બા ફાઉન્ડેશનના સ્થાપક લોર્ડ લૂમ્બા, ભવન્સના વાઈસ ચેર ડો. સુરેખા મહેતા, ભવન્સના ટ્રસ્ટીઓ વરિન્દર સિંહ અને વિનોદ ઠકરાર, કોમ્યુનિટી અને કલ્ચરલ અગ્રણી રજની મહેતદા, બ્રેન્ટ નોર્થના સાંસદ બેરી ગાર્ડનર અને ભારતીય વિદ્યા ભવન યુકેના ડાયરેક્ટર નંદાજી સહિતના મહાનુભાવોએ પોતાના સ્મરણો અને જોગિન્દરજી સાથે તેમના અંગત સંબંધોને વાગોળ્યાં હતાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને ફેલ્ધામ એન્ડ હેસ્ટનના સાંસદ સીમા મલ્હોત્રાએ જોગિન્દરજી સાથે અંગત સંબંધોની મધૂરી યાદોને તાજી કરી હતી. તેમણે તેમની અભૂતપૂર્વ નેતૃત્વશક્તિ, માત્ર સફળ બિઝનેસમેન તરીકે જ નહિ, કોમ્યુનિટીના સ્તંભ તરીકે તેમજ અન્યોના ઉત્થાન માટેના ઉદ્દેશોને હંમેશાં સમર્પિત વ્યક્તિત્વને અંજલિ અર્પી હતી.
ભવન્સના ચેરમેન શ્રી સુભાનુ સક્સેના દ્વારા સંદેશા સાથે જોગિન્દરજીના જીવન અને વિરાસતને દર્શાવતા હૃદયસ્પર્શી સ્લાઈડશો સાથે કાર્યક્રમ આગળ વધ્યો હતો. આ પછી, ભવન્સના નિવાસી ગુરુ શ્રીમતી ચંદ્રિમા મિશ્રાના હિન્દુસ્તાની કંઠ્યસંગીતના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થનાગાન કરાયું હતું.
સંઘેર પરિવારના પ્રતિભાવ સાથે સ્મરણાંજલિનું સમાપન થયું હતું. જોગિન્દરજીના પુત્ર ગિરિશ સંઘેરે પ્રેમ અને સપોર્ટના વહેલા ધોધ બદલ સહુ પ્રતિ આભારની વ્યક્ત કરી હતી. ગિરિશજીએ તેમના દિવંગત પિતા જોગિન્દરજીના શબ્દોને યાદ કરવા સાથે તેમની નીતિમત્તા અને સિદ્ધાંતોને જાળવી રાખવાની ખાતરી ઉચ્ચારવા સાથે જણાવ્યું હતું કે તેમની વિરાસત તેમની કામગીરી અને હૃદયમાં પ્રતિબિંબિત રહેશે. જોગિન્દરજીએ 2011માં પ્રતિષ્ઠિત એશિયન વ્હુઝ વ્હુ એવોર્ડ સ્વીકાર્યો હતો અને તેમના જ શબ્દોમાં પોતાના જીવનની ફીલોસોફી જણાવતા શબ્દો અને વીડિયો ક્લિપ સાથે સ્મરણાંજલિનું સમાપન કરાયું હતું.
આ સાંજ જોગિન્દર સંઘેરજીની ઉષ્મા, ડહાપણ અને અડગ પ્રતિબદ્ધતાનું સાચું પ્રતિબિંબ બની રહી હતી. તેમને જાણનારા સહુ કોઈને તેમનું સ્મરણ હંમેશાં થતું રહેશે.