અમદાવાદઃ અબુધાબીના રણ પ્રદેશમાં 27 એકરના વિશાળ વિસ્તારમાં 2020થી બીએપીએસ સંસ્થાના શિખરબદ્ધ મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, અને 60 ટકાથી વધુ કાર્ય પૂરું પણ થઇ ગયું છે. આગામી ફેબ્રુઆરી 2024માં આ મંદિર સંપૂર્ણ તૈયાર કરીને ખુલ્લું મુકાશે. પ્રાચીન પદ્ધતિથી સાકાર થઇ રહેલા અને નકશીદાર કોતરણી ધરાવતા આ મંદિરમાં સાત શિખરો તૈયાર કરવામાં આવી રહ્યા છે. સૌથી ઊંચું શિખર 108 ફૂટ જેટલું ઊંચું રાખવામાં આવ્યું છે. આ સાથે મંદિરના પથ્થરોમાં 350થી વધુ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના કામમાં 40 હજારથી વધુ લોકો જોડાયેલા છે.
રણ પ્રદેશમાં વહેશે ગંગા-યમુના-સરસ્વતી
રણ પ્રદેશમાં તૈયાર થઈ રહેલા મંદિરનું ખાસ આકર્ષણ અહીંનો ત્રિવેણી સંગમ બનશે. જે રીતે પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ છે તેવી જ રીતે મંદિરની સામે ત્રણેય નદીઓના પાણી લાવીને ત્રિવેણી સંગમ તૈયાર કરવામાં આવશે.
આ ભવ્યાતિભવ્ય મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, સીતા-રામ, શિવજી, બાલાજી, અયપ્પાજી, જગન્નાજી સહિતના તમામ આરાધ્ય દેવોની મૂર્તિઓ કંડારવામાં આવી છે. આમ તમામ સંપ્રદાયોને એક સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તમામ માહિતી કમ્યુટરાઈઝ્ડ
મંદિર બનાવવા માટે બીમ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. જેથી તમે ગમેત્યારે મંદિરના કોઈ પણ ભાગની જ નહીં, પથ્થરની પણ માહિતી મેળવી શકાશે. આ પથ્થર ક્યાંથી લવાયા, તેની કોતરણી ક્યારે કરાઈ, તેની સાઈઝ અને વજન કેટલું છે તમામ બાબતોને પણ કમ્પ્યુટરાઈઝ કરાઈ છે.
નાગરશૈલીનું મંદિર
નાગરશૈલીમાં સાકાર થઇ રહેલા આ મંદિરમાં કુલ 25 હજાર પથ્થરોનો ઉપયોગ થયો છે જ્યારે મંદિરનું વજન 34 હજાર ટન હશે. આ મંદિરનું નિર્માણ એટલું મજબૂત હશે કે તે 7.0ની તીવ્રતાના ભૂકંપની પણ તેને અસર નહીં થાય.