દુબઇમાં પ્રથમ હિંદુ મંદિરના દ્વાર દશેરાના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા છે. દુબઈમાં મોટી સંખ્યામાં વસતા હિન્દુ સમુદાય ઘણા સમયથી ઇચ્છતો હતો કે અહીં એક મંદિરનું નિર્માણ થાય. તેમની આ ઇચ્છા હવે સાકાર થઇ છે. સ્થાનિક સત્તાવાળાઓએ જબેલ અલીમાં જમીન ફાળવતા અને તેના પર મંદિર નિર્માણ માટે મંજૂરી આપતા આ સિંધુ ગુરુ દરબાર મંદિરનું નિર્માણ શક્ય બન્યું છે. દુબઈમાં 34 લાખ ભારતીયો વસે છે. આ મંદિરમાં 16 દેવ પ્રતિમાઓની સ્થાપનાની સાથે જ જ્ઞાનકક્ષ અને ધાર્મિક ગતિવધિઓ માટે એક કોમ્યુનિટી સેન્ટર પણ છે. મંદિરના ટ્રસ્ટી રાજુ શ્રોફે ગયા ઓગસ્ટમાં જ કહ્યું હતું કે આગામી દશેરાના રોજ મંદિરને સત્તાવાર રીતે દર્શનાર્થીઓ માટે ખોલી દેવાશે. જોકે આ મંદિરને બે તબક્કામાં લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં માત્ર પૂજા સ્થળને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હવે બીજા તબક્કામાં મકરસંક્રાતીના રોજ મંદિરના જ્ઞાન કક્ષ અને સામુદાયિક ભવનને ખોલવામાં આવશે. મંદિરમાં 1000થી 1200 લોકો સરળતાથી પૂજા પાઠ કરી શકશે.
આ મંદિર સામાન્ય રીતે દૈનિક ધોરણે દસેક હજાર શ્રદ્ધાળુઓનો સમાવેશ કરી શકે છે, પરંતુ દિવાળી કે મોટા તહેવારો દરમિયાન આ મંદિર એક લાખ જેટલા લોકોને પણ એક સાથે સમાવી શકવા માટે સક્ષમ છે. દુબઈના આ મંદિરની સુવાસ ચોમેર તરફ ફેલાઈ રહી છે. હિંદુઓ પણ લાંબા સમય બાદ તેમની ઇચ્છા પૂરી થવાને લઈને ખુશ જોવા મળી રહ્યા છે. સમગ્ર દુબઈમાં આ પ્રકારે પહેલું જ મંદિર હોઈને તેનું વિશેષ આકર્ષણ છે.
ઉલ્લેખનીય છે કે આ મંદિરને આરબ અને હિંદુસ્તાની શૈલીનું સંયોજન કરીને બનાવવામાં આવ્યું છે. કોરિડોર ઓફ ટોલરન્સમાં કુલ 9 ધાર્મિક સ્થળો છે, જેમાં સાત ચર્ચ, એક ગુરુદ્વારા અને એક મંદિર સામેલ છે. 70,000 સ્કેવર ફૂટમાં ફેલાયેલા મંદિરને બનાવવાની જાહેરાત 2020માં કરવામાં
આવી હતી.