દુબઈ, લંડનઃ લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા દુબઈના મોવેનપિક ગ્રાન્ડ અલ બુસ્તાન ખાતે 13 એપ્રિલથી 16 એપ્રિલ 2025ના સમયગાળામાં નોંધપાત્ર નેટવર્કિંગ ઈવેન્ટ ‘LIBF GCC Calling 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વભરના બિઝનેસ અગ્રણીઓ, એન્ટ્રેપ્રીન્યોર્સ અને ઈન્વેસ્ટર્સ અર્થસભર આર્થિક અને સામાજિક અસર ઉભી કરવા સહકાર સાધશે. ઈવેન્ટના ચીફ ગેસ્ટ તરીકે UAE સરકારના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટોલરન્સ શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન તેમજ પ્રખ્યાત મહાનુભાવો અને વિચારકોની હાજરી નોંધપાત્ર બની રહેશે.
‘વ્હેર બિઝનેસ મીટ્સ પરપઝ’ થીમ સાથેનો ઈવેન્ટ એન્ટ્રેપ્રીન્યોર્સ અને ઈન્વેસ્ટર્સને સંપર્ક, આદાનપ્રદાન તેમજ વેપાર, ઈનોવેશન અને વૈશ્વિક આર્થિક વિકાસની તકો શોધવા માટે પ્લેટફોર્મ પુરું પાડશે. અન્ય વિશિષ્ટ મહાનુભાવોમાં UAEસ્થિત ભારતીય એમ્બેસેડર સંજય સુધીર, લોકસભાના સભ્ય અને પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અનુરાગ ઠાકુર, રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામી, યુકેના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય તેમજ યુગાન્ડા, રવાન્ડા અને ડીઆર કોંગો માટે પૂર્વ યુકે ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ દૂત લોર્ડ ડોલર પોપટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારતના વડા પ્રધાનની ઈકોનોમિક એડવાઈઝરી કમિટી (EAC-PM)ના સભ્ય સંજીવ સાન્યાલ, દુબઈમાં ભારતના કોન્સલ જનરલ સતીષ કુમાર સિવાન, યુકેમાં હાઉસ ઓફ કોમન્સના સાંસદ મિસ. શિવાની રાજા, અબુ ધાબીમાં ADSM બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન ડો. તાયેબ કામાલી, સંજય ઠકરાર (યુરો એક્ઝિમ બેન્કના ગ્લોબલ સ્ટ્રેટેજી એન્ડ લીડરશિપના સ્થાપક અને વડા), ચેતન ચૂગ (ચેરમેન અને એમડી, વિન્માર્ટ) અને મિસ દિશા રાજદેવ (એક્ઝિ. ડાયરેક્ટર, APM કેપિટલ લિમિટેડ)ની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર બની રહેશે.
LIBF GCC Calling 2025 ઈવેન્ટમાં બિઝનેસ નેટવર્કિંગ અને સીમા પારની પાર્ટનરશિપ્સ પર મુખ્ય ભાર મૂકાશે. ઈવેન્ટ થકી ખરીદાર-વેચાણકારની બેઠકો યોજાશે જેનાથી કંપનીઓને વ્યૂહાત્મક જોડાણો બનાવવા અને ઉભરતાં બજારોમાં વિસ્તરણની તકો શોધવામાં મદદ મળશે. આ ઉપરાંત, નિષ્ણાત પેનલચર્ચાઓ આર્થિક પ્રવાહો, વેપારની નીતિઓ અને ઈનોવેશનથી વિકાસ બાબતોમાં અમૂલ્ય સમજ પૂરી પાડશે. યુવા અને મહિલા સશક્તિકરણ, એન્ટ્રેપ્રીન્યોર્સ અને પ્રોફેશનલ્સની આગામી પેઢીઓને નેતૃત્વની ભૂમિકામાં ડગ માંડવા પ્રોત્સાહન આ ફોરમનું મહત્ત્વનું પાસું બની રહેશે. આ ઈવેન્ટ ઈન્વેસ્ટર્સ અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા સ્ટાર્ટઅપ્સ વચ્ચે સેતુ બની રહેશે જેનાથી બિઝનેસની સફળતાને આગળ વધારવા ફંડિંગ અને મેન્ટોરશિપ તકો પ્રાપ્ત થઈ શકશે.
આ ઈવેન્ટ બિઝનેસ ઉપરાંત, અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત સાથે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવને સામેલ કરશે જેથી ભાગ લેનારા સભ્યોને મિડલ ઈસ્ટના કેન્દ્રમાં વિરાસત અને પરંપરાઓ સાથે જોડાવાની અનોખી તક સાંપડશે.
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વૈશ્વિક બિઝનેસ વિકાસને આગળ વધારવા પ્રતિબદ્ધ વિશિષ્ટ લીડરશિપ ટીમના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે જેમાં ભારતમાં ચેરમેનપદે સેવા આપતા શ્રી સતીષ ડી.વિઠલાણી અગ્રેસર છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં વિજય પી. કારીઆ, નીતિન રાયચૂરા, પ્રવીણ કોટક, કૃણાલ ગઢીઆ, જનક ઠાકર, ભરત ચાંદરાણી, ઉમંગભાઈ ઠક્કર, મહેન્દ્ર ઘેલાણી, જિતેન્દ્રભાઈ ઠક્કર, હર્ષિલ કારીઆ, કૌશિક મજીઠીઆ, વિરેન મિરાણી અને દિનેશભાઈ કાનાબારનો સમાવેશ થાય છે. આ બધા જ ભારતના આર્થિક ફલક પર મહત્ત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે.
ભારતની બહાર વિસ્તરણ થકી LIBFની વૈશ્વિક હાજરીને મજબૂત બનાવવામાં યુનાઈટેડ કિંગ્ડમનું પ્રતિનિધિત્વ ડાયરેક્ટર્સ રશ્મિ ચટવાણી, સુભાષ ઠકરાર OBE અને સંજય ઠકરાર કરી રહ્યાં છે. કેન્યામાં બિમલ કંટારિઆ, DR કોંગોમાં કેતન કોટેચા અને ચેતન ચૂગ અને યુગાન્ડામાં વિનય દાવડાનો સાથ મળ્યો છે. આ લીડરશિપ ટીમ સાથે મળીને વૈશ્વિક ખંડોમાં સહકાર અને આર્થિક વિકાસને વધારી LIBFની સાતત્યપૂર્ણ સફળતાને ખાતરીબદ્ધ બનાવે છે.
લોહાણા મહાપરિષદ (LMP) અને LIBF વિશે જાણકારી
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) ભારત અને વિશ્વભરમાં ઊંડા મૂળિયાં ધરાવતા ઐતિહાસિક દૃષ્ટિએ ઉદ્યોગસાહસિકતા અને સખાવતી સમૂહ, લોહાણા કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરતી વિશિષ્ટ વૈશ્વિક સંસ્થા લોહાણા મહાપરિષદ (LMP)ની પહેલ છે. LMP 37 દેશોમાં વસતા 3 મિલિયનથી વધુ લોહાણાઓ માટે છત્રસંસ્થા છે જે આર્થિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ અને સામુદાયિક કલ્યાણ માટે કાર્યરત છે. સ્ટ્રેટેજિક નેટવર્કિંગ, મેન્ટોરશિપ્સ અને બિઝનેસ કોલબરેશન્સ થકી લોહાણા એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ અને ઈન્વેસ્ટર્સને મજબૂત બનાવવા LMP દ્વારા લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF)ની સ્થાપના કરાઈ હતી. LIBF વેપારી સંપર્કો, ભંડોળની તકો તેમજ નિષ્ણાત વેપારજ્ઞાનની સુવિધાની પહોંચની વ્યવસ્થા સાથે સ્ટાર્ટઅપ્સ, SMEsઅને સ્થાપિત વેપારી એકમોને સક્રિય સપોર્ટ કરે છે.
પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સખાવતી શાહુકાર શેઠ શ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતા શ્રી લોહાણા મહાપરિષદના સ્થાપક પ્રેસિડેન્ટ હતા. ડાયનેમિક અને પ્રગતિશીલ સતીષ ડી. વિઠલાણી વર્તમાન મુદત (2020-2025) માટે લોહાણા મહાપરિષદ સંસ્થાના પ્રમુખ છે. LMPનું વિઝન વેપારવણજથી પણ આગળ વિસ્તરેલું છે. તે સક્રિયપણે સખાવત-પરોપકાર, એજ્યુકેશન અને સાંસ્કૃતિક જતન સાથે સંકળાયેલી છે જેથી તેના સભ્યો વિસ્તરતા વૈશ્વિક ફલક સાથે અનુકૂળતા સાધતા રહે તેની સાથે લોહાણા પરંપરાઓ પણ વિકસતી રહે. સ્કોલરશિપ્સ, નાણાકીય સહાય કાર્યક્રમો અને રોજગારીમાં મદદની પહેલો થકી LMPએ કોમ્યુનિટીમાં અસંખ્ય પરિવારો અને વ્યક્તિઓને ઊંચે ઉઠાવવામાં પાયારૂપ ભૂમિકા ભજવી છે.
‘LIBF GCC Calling 2025’ માટે આશા અને અપેક્ષા વધી રહી છે ત્યારે ઉદ્યોગોના અગ્રણીઓ અને પ્રોફેશનલ્સ પણ મગજ અને તકોના પરિવર્તનકારી મેળાવડાની ખાતરી આપતા ઈવેન્ટની તૈયારીઓ સાથે સજ્જ થઈ રહ્યા છે.