લંડનઃ ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સે પાર્કિન્સન્સ ડિસીઝ અંગે સાઉથ એશિયન કોમ્યુનિટીમાં જાગરૂકતા ઉભી કરવા તેમજ તેના વિશે ચર્ચા-વાતચીત આગળ વધારવાના હેતુસર ચેરિટી સંસ્થા પાર્કિન્સન્સ યુકે સાથે પાર્ટનરશિપ કરી છે. પાર્કિન્સન્સ વિશ્વમાં ઝડપથી ફેલાતી ન્યૂરોલોજિકલ કંડિશન છે અને યુકેમાં આશરે 153,000 લોકોને તેની અસર છે.
સીબી પટેલની રાહબરી હેઠળ ABPL દ્વારા વર્ષ 2000માં સ્થાપિત અને હાલ EPG દ્વારા સંચાલિત ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ સાઉથ ઈન્ડિયન કોમ્યુનિટીમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાં સ્થાન ધરાવે છે. તેમણે ચેરિટી માટે 5 મિલિયન પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી છે અને ગત વર્ષના મહેમાનોની સંયુક્ત નેટવર્થ 30 બિલિયન પાઉન્ડથી વધુ હતી.
EPGના મેનેજિંગ ડાયરેક્ટર પ્રતીક દત્તાણીએ જણાવ્યું હતું કે,‘દર વર્ષે, અમે યુકેમાં સૌથી પ્રેરણાદાયી સાઉથ એશિયન્સનું બહુમાન કરીએ છીએ પરંતુ, મહત્ત્વપૂર્ણ ઉદ્દેશોને હાઈલાઈટ કરવાનું પણ એટલું જ જરૂરી છે. સાઉથ ઈન્ડિયન કોમ્યુનિટીમાં પાર્કિન્સન્સ વિશે ઘણી ગેરસમજો પ્રવર્તવા સાથે તેને કલંક ગણાવાય છે. પાર્કિન્સન્સ યુકે સાથે પાર્ટનરશિપ કરવાથી અમે આ મહત્ત્વના ઉદ્દેશ માટે જાગરૂકતા અને સપોર્ટ ઉભાં કરી શકીશું.’
પાર્કિન્સન્સ યુકેમાં ડાયરેક્ટર ઓફ કોમ્યુનિટી ડેવિડ ન્યૂબોલ્ડે જણાવ્યું હતું કે,‘અમે ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ માટે ચેરિટી પાર્ટનર બનવાનો રોમાંચ ધરાવીએ છીએ. આ ભાગીદારી અમને આવશ્યક ભંડોળ અને જાગૃતિ ફેલાવવામાં મદદ કરવા સાથે સાઉથ એશિયન કોમ્યુનિટી સુધી પહોંચ વધારશે. પાર્કિન્સન્સના પેશન્ટ્સ એકલવાયાપણું અનુભવે છે અને અમારું મિશન સુરક્ષિત સ્થાન આપવાનું, અવરોધો દૂર કરવાનું અને જરૂર જણાય ત્યારે સપોર્ટ મળી રહે તેની ચોકસાઈ રાખવાનું છે.’
પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે ગત વર્ષે એવોર્ડ્સની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે,‘ બ્રિટિશ એશિયનો બ્રિટનમાં સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ઈનોવેશન્સને ગતિ આપે છે. આજે રાત્રે EPG દ્વારા આટલા બધા પરિવર્તનકારોને બિરદાવાયા તે બાબત અદ્ભૂત છે.’ ગત વર્ષના વિજેતાઓમાં લેસ્ટર સિટી ફૂટબોલર હમઝા ચૌધરી અને યુરોપના સૌથી વિશાળ કાર પાર્ટ્સના સ્થાપક વિતરક સુખપાલ સિંહ અહલુવાલિઆનો સમાવેશ થયો હતો. પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્માને તેમની 50 વર્ષથી વધુ જાહેર સેવા માટે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.
પાર્કિન્સન્સ યુકે સાથેની ભાગીદારી સ્થાનિક ઈવેન્ટ્સ, સપોર્ટ સર્વિસીસ, અને રિસર્ચ પ્રોગ્રામમાં રેસ ઈક્વલિટી મારફત સાઉથ એશિયન કોમ્યુનિટી પ્રત્યે તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ચેરિટી પાર્ટનર તરીકે, એવોર્ડ્સ જાગૃતિ ઉભી કરવામાં મદદ, વાતચીતોને આગળ વધારવાને પ્રોત્સાહન તેમજ પાર્કિન્સન્સની યાત્રાના દરેક તબક્કે મહત્ત્વપૂર્ણ સપોર્ટ પુરો પાડવામાં મદદ કરશે.