લંડનઃ ધ ફૂટબોલ એસોસિયેશન (FA) અને નિસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર, લંડન ઈંગ્લિશ ફૂટબોલનાં ઘર વેમ્બલી સ્ટેડિયમ ખાતે ગુરુવાર 14 નવેમ્બરે દિવાળીની ઊજવણી કરવામાં ભાગીદાર બન્યાં હતાં. વેમ્બલી સ્ટેડિયમ ખાતે આ સૌપ્રથમ દિવાળી ઊજવણી હતી જે હિન્દુ, શીખ અને જૈન કોમ્યુનિટીઓ માટે ઐતિહાસિક સીમાચિહ્ન બની રહી હતી તેમજ સહુના માટે ફૂટબોલમાં પાર્ટિસિપેશન અને મેળમિલાપને પ્રોત્સાહિત કરવા સમગ્ર દેશની કોમ્યુનિટીઓ સાથે નિકટતા સાથે કામ કરવાની ધ FAની પ્રતિબદ્ધતાનું જ્વલંત ઉદાહરણ છે. ધ FA તેની એવોર્ડવિજેતા ‘ફેઈથ એન્ડ ફૂટબોલ સીરિઝ’ના ભાગરૂપે દેશના મુખ્ય ધર્મો સાથે મહત્ત્વના ઈવેન્ટ્સની ઊજવણી કરે છે.
ઊજવણીની સાંજમાં ફૂટબોલ વિશે પ્રેરણાદાયી વાતો અને તમામ સમયના ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ ફૂટબોલર્સમાં એક ગણાતા જ્હોન બાર્નેસ MBE સહિત રમતના પ્રોફેશનલ ખેલાડીઓ અને કોચીસની બનેલી ઈન્ટરએક્ટિવ પેનલ્સનો સમાવેશ થયો હતો. આ પ્રેઝન્ટેશનો રમતમાં કોમ્યુનિટીઓને વધુ પ્રમાણમાં સાંકળવા અને શારીરિક ચૂસ્તતાને પ્રોત્સાહિત કરનારા બની રહ્યા હતા.
FAના અધ્યક્ષ ડેબી હેવિટ MBE હાલ ઈંગ્લેન્ડના પુરુષોની સીનિયર ટીમ સાથે એથેન્સમાં ફરજ પર છે. તેમણે અંગત વીડિયો મેસેજમાં જણાવ્યું હતું કે,‘FAમાં અમારા સહુના વતી વેમ્બલીમાં અમારા પડોશી અને આજના દિવાળી સેલિબ્રેશનમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર નિસડન ટેમ્પલનો ખૂબ ખૂબ આભાર. તમારા પ્રતિષ્ઠિત મંદિરની મારી મુલાકાત હું પ્રેમથી હજુ યાદ કરું છું. મારી મુલાકાત પછી તમારા આવકાર તથા આશા અને સાથે હોવાની મજબૂત લાગણીને હું કદી ભૂલી શકીશ નહિ. હું આશા રાખું છું કે વેમ્બલી સ્ટેડિયમ ખાતે અમારી સાથે આખી રાત દિવાળીની ઊજવણી કર્યા પછી તમને પણ સાથે હોવાની આવી જ લાગણી અનુભવાશે.’
નિસડન ટેમ્પલ ખાતે યુવા વોલન્ટીઅર પૂજા પટેલે સ્થાનિક ફૂટબોલ ક્લબ માટે ભાગ લેવાના તેના અનુભવો સહુને વર્ણવ્યાં હતાં. મંદિરના યુવા સભ્યોએ પિચની બાજુએ ઉત્સાહી ડાન્સ અને આરતીની વિધિ સહિત ધમાકેદાર સાંસ્કૃતિક પરફોર્મન્સીસની રજૂઆત સાથે દિવાળીની ઊજવણીને વધુ સમૃદ્ધ બનાવી હતી.
આ ઈવેન્ટ વિશે જ્હોન બાર્નેસે જણાવ્યું હતું કે,‘હું આ વિસ્તાર – વેલે ફાર્મ, હાર્લેસડન, વિલ્સડેન, નિસડન ખાતે રમતો હતો તેથી આ એરિયાને બરાબર જાણું છું. ચોક્કસ ફૂટબોલના ઘર એવા વેમ્બલીમાં હોવું અને નિસડન ટેમ્પલ આ ઈવેન્ટને સ્પોન્સર કરી રહેલ છે તે ખરેખર મોટી બાબત છે. સહુને હેપી દિવાળી!’
71 ઈન્ટરનેશનલ કેપ્સ સાથે પૂર્વ ઈંગ્લેન્ડ ફૂટબોલર અને હાલમાં બ્રિસ્ટોલ સિટી ખાતે ફર્સ્ટ-ટીમ કોચ અનિતા અશાન્તેએ જણાવ્યું હતું કે,‘ ફૂટબોલ એવી રમત છે જે વૈવિધ્યપૂર્ણ અને સમાવેશી હોય આથી, નિસડન ટેમ્પલ અને ધ FA વચ્ચે પાર્ટનરશિપ નિહાળવાનું અદ્ભૂત છે. હું માનું છું કે આ સંપર્કથી વિવિધ સમુદાયો અને ખાસ કરીને સાઉથ ઈસ્ટ એશિયન કોમ્યુનિટીઝની છોકરીઓને ભાગ લેવામાં ખરેખર મદદ સાંપડી છે.’
ધ FA ખાતે ડાઈવર્સિટી એન્ડ ઈન્ક્લુઝનના વડા ડાલ ડારોકે ઉમેર્યું હતું કે,‘આજે આપણે હિન્દુ વિરાસત અને શીખ વિરાસતના લોકોને એકસાથે લાવ્યા છીએ અને તે ખરેખર ઘણું સુંદર છે! વેમ્બલી એરિયા અને બ્રેન્ટ પ્રદેશમાં પ્રતિષ્ઠિત લેન્ડમાર્ક ઈમારતો ધરાવતી બે આઈકોનિક-પ્રતિષ્ઠિત સંસ્થાઓ સૌપ્રથમ વખત એક સાથે આવી છે અને ઈંગ્લિશ ફૂટબોલના ઘર સમાન સ્થળે આવી છે તે નિહાળવાનું ખરેખર અભૂતપૂર્વ છે.’
નિસડન ટેમ્પલ ખાતે BAPSના અગ્રણી વોલન્ટીઅર દીપન લાખાણીએ જણાવ્યું હતું કે,‘ વેમ્બલી સ્ટેડિયમ ખાતે આ દિવાળી ઊજવણીની શાલીન યજમાની કરવા બદલ અમે ધ ફૂટબોલ એસોસિયેશનના આભારી છીએ. તેમની સાથે ભાગીદારી કરવી અને વ્યાપક બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટીના સભ્યો સાથે દિવાળીની ભાવનાની ઊજવણી કરવી તે સન્માનની બાબત છે. BAPSના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ‘સંવાદિતાના વર્તુળને વ્યાપક બનાવવા’ના મહત્ત્વ પર ભાર મૂકે છે. મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય રમત ફૂટબોલ આપણને તંદુરસ્ત રાખવા અને જીવનના અમૂલ્ય પાઠ શીખવવાની સાથોસાથ તેના થકી વિવિધ કોમ્યુનિટીઓને એક સાથે લાવી શકે છે તેનું આ ઈવેન્ટ પ્રતિનિધિત્વ કરે છે.’