લંડનઃ ધ ભવન યુકે દ્વારા 13 માર્ચ 2025, ગુરુવારે એમ.પી. બિરલા મેમોરિયલ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવનના પ્રેસિડેન્ટ સુભાનુ સક્સેનાએ ‘લીડરશિપ લેસન્સ ફ્રોમ એન્સિયન્ટ ઈન્ડિયન ટ્રેડિશન્સ’ વિષય પર સંબોધન કર્યું હતું. આ વિચારપ્રેરક ઈવેન્ટ થકી મહેમાનોને આધુનિક નેતૃત્વમાં પ્રાચીન ભારતીય શાણપણની શાશ્વત સુસંગતતા વિશે ઊંડી સમજ પ્રાપ્ત થઈ હતી.
ઈવેન્ટમાં સુભાનુ સક્સેનાએ ભગવદ્ ગીતા, વેદ અને ઉપનિષદો તેમજ વર્તમાન ફીલોસોફીઝના પાઠ કેવી રીતે નેતૃત્વ, નિર્ણયપ્રક્રિયા અને વ્યક્તિગત વિકાસ સંદર્ભે માર્ગદર્શન આપે છે તેની વાત કરી હતી. આ ચર્ચા થકી સ્વના માલિક અને નમ્રતા, હિંમત અને દયાભાવ સાથે અન્યોની સેવાની બેવડી યાત્રા સંદર્ભે વર્તમાન પડકારો સામે નેતૃત્વની નવી વ્યાખ્યા અપાઈ હતી.
ચર્ચામાં આ મુદ્દાઓ અને તારણો જોવા મળ્યા હતાઃ
• લીડરશિપ ઉચ્ચ હેતુઓ સાથે પવિત્ર સમર્પણની ભાવના છે. • જાગૃત હાજરી અને સંતુલિત કાર્યવાહીનું મહત્ત્વ.• અહંકાર, ઈચ્છા અને ક્રોધ પર અંકુશ મેળવવા મનને તાલીમ આપવી. • અર્થસભર કાર્ય માટે અંગત અને સંસ્થાકીય લક્ષ્યોને સાંકળી દેવાં • સમાજના મહાન કલ્યાણ માટે પ્રાચીન આદર્શો અને તેમની નિઃસ્વાર્થ સેવામાંથી પ્રેરણા પ્રાપ્ત કરવી.
સુભાનુ સક્સેના ન્યૂ રેહ્ઈન હેલ્થકેર ઈન્વેસ્ટર્સ ખાતે સીનિયર એક્ઝિક્યુટિવ અને મેનેજિંગ પાર્ટનર છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી (MA, એન્જિનીઅરીંગ સાયન્સ વિથ ઓનર્સ) અને INSEAD (MBA)ના ગ્રેજ્યુએટ સક્સેનાએ યુરોપ, નોર્થ અમેરિકા, આફ્રિકા અને એશિયામાં ફાર્માસ્યુટિકલ્સ, FMCG, કન્સલ્ટિંગ અને બેન્કિંગ ક્ષેત્રોમાં નોંધપાત્ર ભૂમિકાઓ સાથે સર્વગ્રાહી નેતૃત્વ અનુભવો હાંસલ કર્યા છે. છ ભાષા જાણતા અને સંસ્કૃત અને વેદાંતના આદરણીય લેક્ચરર સુભાનુ સક્સેના ભારતીય વિદ્યા ભવન, લંડનમાં ચેરમેનપદે પણ સેવા આપી રહ્યા છે. આ ઈવેન્ટથી સીનિયર એક્ઝિક્યુટિવ્ઝ અને કોર્પોરેટ લીડર્સને પ્રાચીન ભારતીય પરંપરાઓમાં રહેલા નેતૃત્વના શાશ્વત સિદ્ધાંતોને પ્રવર્તમાન પડકારો સામે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેની જાણકારી પ્રાપ્ત થઈ હતી.