લંડનઃ ધ ભવન દ્વારા 2 ઓગસ્ટે મહેમાનો દ્વારા મનનીય પ્રવચનો અને લાજવાબ સાંસ્કૃતિક પરફોર્મન્સીસ સાથે ભારતના સ્વાતંત્ર્ય દિનની 77મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ એન નંદકુમારા MBE દ્વારા પ્રાર્થના સાથે ઉજવણીની સાંજનો પ્રારંભ થયો હતો. ધ ભવન યુકેના ચેરમેન સુભાનુ સક્સેનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ઓપનહેમરને ટાંકતા તેના દ્વારા ગીતાના શ્લોકોના ઉપયોગને દર્શાવી વર્તમાનમાં ગીતાની પ્રસ્તુતતા અને સાર્વત્રિક આકર્ષણ વિશે જણાવ્યું હતું. તેમણે મુખ્ય મહેમાન અને યુકેસ્થિત ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને તેમના પત્ની સંગીતાને આવકારતા કહ્યું હતું કે ધ ભવનની શરૂઆત કરવા માટે પ્રથમ બેઠક 1972માં ભારતીય હાઈ કમિશન ખાતે યોજાઈ હતી.
હેમરસ્મિથ અને ફૂલહામના મેયર કાઉન્સિલર પેટ્રિશિયા ક્વિંગ્લેએ પ્રાસંગિક સંબોધનમાં ભવનના 50 વર્ષના ભવ્ય ઈતિહાસ તેમજ સ્થાનિક કોમ્યુનિટી અને વ્યાપક ડાયસ્પોરામાં તેના ગૌરવભર્યા સ્થાન પર પ્રકાશ પાડ્યો હતો. લોર્ડ લૂમ્બા CBEએ સ્વાતંત્ર્યવીરો વિશે જણાવવા સાથે સ્વાતંત્ર્ય સંઘર્ષ અને ભારતને આઝાદી તરફ દોરી જનારી કેટલીક ઘટનાઓ વિશે જણાવ્યું હતું.
યુકેસ્થિત ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ચાવીરૂપ સંબોધનમાં 76 વર્ષ અગાઉ ભારત તેની આટલી વૈવિધ્યતા સાથે કેવી રીતે આઝાદી પ્રાપ્ત કરી શકશે તેની ચિંતાઓ છતાં, આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે શિરમોર સ્થાન ધરાવતું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દરેક લોકશાહી પોતાને અલગ રીતે અભિવ્યક્ત કરે છે અને તેની અન્યો સાથે સરખામણી કરી શકાય નહિ. ભારતમાં જે રીતે મોટા પાયે ચૂંટણીઓ યોજાય છે તેમ અન્ય કોઈ દેશમાં યોજાતી નથી અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ તો ખરેખર પ્રશંસાપાત્ર છે. ન્યાયતંત્ર મજબૂત અને સ્વતંત્ર સંસ્થા હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
હાઈ કમિશનરે કહ્યું હતું કે ચર્ચના બિલ્ડિંગમાં ભવનનું હોવું જ આપણી સંસ્કૃતિ અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ પરંપરાની ઘોષણા છે. તેમણે પોતાના મુદ્દાના સમર્થનમાં ઋગ્વેદ તેમજ મિર્ઝા ગાલિબની કવિતાને ટાંકી હતી. તેમણે કહ્યું હતું કે ભારત જેના માટે ખડું છે તેનું પ્રતિનિધિત્વ ભવન કરે છે અને ડાયસ્પોરા માટે મહત્ત્વપૂર્ણ કાર્યો કરતી પ્રેરણાદાયી સંસ્થા છે.
આ પછી, MBE સન્માન પ્રાપ્ત કરવા બદલડો. એમ એન નંદકુમારાને અભિનંદન પાઠવાયા હતા. ચેરમેન સુભાનુએ નંદાજીની નિષ્ઠા અને સમર્પણની પ્રશંસા કરી હતી. આ પછી, ભવનમાં નંદાજીની યાત્રાને દર્શાવતો સ્લાઈડશો રજૂ કરાયો હતો. નંદાજીએ દલાલજી, ડો. માર, શાંતનુજી અને જોગિન્દરજી તેમજ તેમની આ યાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ સાથ આપનારા સહુ કોઈનો આભાર માન્યો હતો. તેમણે વિશેષમાં તેમના પત્ની, પરિવાર, ભવનના શિક્ષકો, સ્ટાફ, વિદ્રાર્થીઓ તેમજ સમગ્ર કમિટીનો સાથ-સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ધ ભવન યુકેના ઉપાધ્યક્ષ ડો. સુરેખા મહેતાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ધ ભવનના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને ડાન્સ પરફોર્મન્સીસ સાથે ઓડિયન્સને ડોલાવ્યા હતા. રાષ્ટ્રગીતના ગાયન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.