અમદાવાદઃ ગુજરાત યુનિ.ના હોલ ખાતે ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ શનિવારથી શરૂ થઈ છે, જેમાં વિવિધ રાજ્યો અને દેશોમાંથી લોકો આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત જૈન સમાજની સંસ્કૃતિ સહિતના વિષયો પરનું પુસ્તક પણ લોન્ચ કરાયું હતું. કાર્યક્રમનું આયોજન કરનાર શ્રુત રત્નાકર સંસ્થાના જિતેન્દ્ર શાહે જણાવ્યું કે, વિદેશ સહિત દેશના વિદ્વાનો શ્રોતાઓના દ્વારા યુવાઓને જૈન સમાજની નીતિ અને સંસ્કૃતિથી જાગ્રત કરશે, કોન્ફરન્સમાં સહ-આયોજન નોર્થ અમેરિકાની જૈના સંસ્થા છે. તેઓ અમેરિકા અને કેનેડામાં સંસ્કૃતિ અને વારસાની સાથે ધર્મનાં કાર્યોથી અવગત કરાવી રહ્યા છે.
જૈનાચાર્ય ડો. લોકેશ મુનિએ જણાવ્યું કે, જૈન સમાજનો ઈતિહાસ ગૌરવશાળી છે. તેના સ્મરણથી જ સારા વિચારો શરૂ થઈ જાય છે. જૈન ધર્મે ધર્મને જ નહિ પરંતુ અન્ય ધર્મને પણ મદદ કરી છે. ભાવિ પેઢીને ઈતિહાસથી પરિચિત કરાવવાની પણ જરૂર છે. દુનિયાની ત્રણ સમસ્યા છે. ગ્લોબલ વોર્મિંગ, હિંસા અને આતંકવાદ તેમજ ગરીબી. વિશ્વનાં વિવિધ સંગઠનો પણ કહે છે કે, દેશમાં બદલાવ લાવવો હોય તો ધર્મના માધ્યમથી લાવી શકાય છે. જૈનધર્મમાં સૌથી મોટું આકર્ષણ મુક્તિ નિર્માણ, મોક્ષનું છે. મહાવીર મંત્રનું દુનિયા આત્મસાત કરી લે તો હાલની બે દુનિયા એક દુનિયા બની શકે છે.
જૈનિઝમ ઇન તમિલનાડુ પર ફિલ્મ
ચેન્નાઈની જૈન કોલેજના સંસ્કત અને કળા વિભાગના ડો. રમાદેવી અને રેશ્મા ભંડારી જણાવ્યું કે, ડો. હરીશ મહેતા, ઉષા અભયકુમાર અને અભય જૈન દ્વારા ‘અનમોલ વિરાસત’ નામની ફિલ્મમાં તમિલનાડુના જૈન ધર્મ અંગે જાણકારી અપાઈ છે. જેમાં 300 જૈન તીર્થ સ્થળોનો સમાવેશ કર્યો છે. મદુરાઈ, કાંચીપુરમ, ચેન્નાઈ, કન્યાકુમારીના હેરિટેજ સ્થળોનો સમાવેશ કરાયો છે. આ ફિલ્મ રાજસ્થાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં નોમિનેટ પણ થઈ છે.