લંડનઃ ઓક્સફર્ડશાયરમાં નૂનહામ કોર્ટનેસ્થિત ગ્લોબલ રીટ્રીટ સેન્ટરને આવશ્યક રીનોવેશન માટે પાંચ વર્ષ બંધ રાખવામાં આવ્યાં પછી રવિવાર 23 જુલાઈએ ભવ્ય ઉદ્ઘાટન સાથે પુનઃ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભવ્ય ઉદ્ઘાટન ઈવેન્ટ ‘ફીલિંગ પીસ- ધ મેડિટેશન એક્સ્પીરિયન્સ’માં 1,750થી વધુ લોકોએ હાજરી આપી હતી. આ ઈવેન્ટ સ્ટેજ પરફોર્મન્સીસ, સંગીત અને નૃત્ય તથા વિશ્વભરમાંથી વરિષ્ઠ ધ્યાનીઓના ડહાપણ અને જ્ઞાન, અંગત અનુભવોના વાર્તાલાપ તેમજ સ્થાનિક કોમ્યુનિટીના અગ્રણીઓ અને મિત્રોની શુભકામનાઓનો સમન્વય બની રહ્યો હતો.
સુંદર બગીચાઓ અને વિશાળ રાજસી ખંડોની વેળાસર મુલાકાતો લઈ લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ભીંજાઈ ગયા હતા અને વિવિધ ધ્યાન પ્રવૃત્તિઓમાં સામેલ થયા હતા. લોકોને ધ્યાન કેવી રીતે કરવું તેની પણ સમજ અપાઈ હતી. મેડિટેશન ટેન્ટમાં સિતાર અને વાયોલિન વાદનની સાથે જ ચા અને નાસ્તાની સુવિધા પણ રાખવામાં આવી હતી. મુખ્ય સ્ટેજની સુંદર અને રંગીન સજાવટ કરવામાં આવી હતી. 18મી સદીની ઈમારતના મૂળ નિવાસીઓ ફર્સ્ટ લોર્ડ અને લેડી હારકોર્ટ દ્વારા તમામનું સ્વાગત કરાયું હતું. મીનલ પટેલ અને માર્નેટ્ટા વિગાસના હળવાં અને મનોરંજક પરફોર્મન્સ, લ્યુસિન્ડા ડ્રેટોનના ગીતો, લેકી સી અને જૈનીના રેપ પરફોર્મન્સ તેમજ પર્લ જોર્ડન અને શેરોન‘ઓ રીગનના ડાન્સ પરફોર્મન્સ સાથે સમગ્ર વાતાવરણ જીવંત બન્યું હતું.
સમગ્ર વિશ્વમાં બ્રહ્મા કુમારીઝના વરિષ્ઠ ધ્યાનીઓએ આપણને શાંતિના અનુભવ માટે વિવિધ તત્વો તેમજ આપણા કલ્યાણ માટે ધ્યાન અને આધ્યાત્મિક જાગૃતિ કેવી રીતે આવશ્યક છે તેના વિશે જણાવ્યું હતું. યુએસએમાં બ્રહ્મા કુમારીઝના અધિક વહીવટી વડા સિસ્ટર મોહિનીએ ‘ફીલિંગ ગ્રાઉન્ડેડ’ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આપણા દરેકમાં, શાશ્વત અને પ્રાકૃતિક સ્વભાવ જ શાંતિ છે. આપણે તેને કેળવવો પડશે જેની શરૂઆત ઓમ શાંતિ એટલે કે હું શાંત છુંના વિચારોથી થશે.
બ્રહ્મા કુમારીઝના યુરોપિયન ડાયરેક્ટર સિસ્ટર સુદેશે સુરક્ષિતતાની લાગણી વિશે જણાવ્યું હતું કે જ્યારે આપણામાં પવિત્રતા, સુરક્ષિતતા અને સકારાત્મકતા હશે ત્યારે તમને શાંતિ અનુભવાશે.
ભારતમાં વડામથકે બ્રહ્મા કુમારીઝના એડિશનલ સેક્રેટરી-જનરલ બ્રધર બ્રિજ મોહને સંપર્કની લાગણી વિશે કહ્યું હતું કે હુંપદની ઓળખની કટોકટીના કારણે આપણે સમગ્ર વિશ્વ અને સર્જનહારથી અળગા થઈ ગયા છીએ. આપણને સહુને એકસંપ કરનારું સામાન્ય તત્વ હું આત્મા છુંની ઓળખ જ છે.
બ્રહ્મા કુમારીઝના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ વડા અને બ્રહ્મા કુમારીઝ યુકેના સીઈઓ અને રિનોવેશન પ્રોજેક્ટના સૂત્રધાર સિસ્ટર જંયતીએ ‘ફીલિંગ પીસફૂલ’ સાથે સમગ્ર ચિત્રને પૂર્ણ કર્યું હતું. તેમણે ઓડિયન્સને સ્વ, વિશ્વ અને પ્રકૃતિ માટે સુંદર માર્ગદર્શન સાથેના ધ્યાનમાં પ્રવૃત કરી, થોડી મિનિટોના સંપૂર્ણ મૌન પાળીને ઈવેન્ટનું સમાપન કર્યું હતું.
ઓક્સફર્ડના શેરિફ કાઉન્સિલર માર્ક લીગો, માર્શ અને ટૂટ બાલ્ડોન અને નૂનહામ કોર્ટનેના પૂર્વ વિકાર રેવ. ડો. માર્કસ બ્રેબ્રૂકે અગાઉના ઈવેન્ટ્સ અને બ્રહ્મા કુમારીઝ સાથે સહકારને યાદ કર્યા હતા. રેવ. બ્રેબ્રૂકે ઈન્ટરનેશનલ ઈન્ટરફેઈથ ઈનિશિયેટિવ્ઝના આરંભે બ્રહ્મા કુમારીઝની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોલિટિકલ, પ્રેસ એન્ડ ઈન્ફોર્મેશન વિંગના વડા સર્વજીત સૂદાને સેન્ટરના ભવ્ય ઉદ્ઘાટન અને બધા માટે ખુલ્લું મૂકાવા બદલ ભારતીય હાઈ કમિશન તરફથી અભિનંદન પાઠવ્યા હતા.
બેરોનેસ ડો. સંદીપ વર્માએ બ્રહ્મા કુમારીઝના દિવંગત વડા દાદી જાનકીને યાદ કર્યાં હતાં, જેમણે 40 વર્ષ યુકેમાં વીતાવ્યાં હતાં અને ઓક્સફર્ડ વિસ્તારમાં આધ્યાત્મિક યુનિવર્સિટી હોવી જોઈએનો વિચાર વહેતો કર્યો હતો. બેરોનેસ વર્માએ કહ્યું હતું કે, ‘આપણે બધાં વિષાદમાં રહીએ છીએ, આપણે તમામ પ્રકાર અને સ્વરૂપમાં આવતી હતાશામાં જીવીએ છીએ. પરંતુ, તેમણે આપણને ખરેખર શીખવ્યું હતું કે જો તમે આશા સાથે જીવવા ઈચ્છતા હો તો શરૂઆત તમારાથી જ કરો.’
ગ્લોબલ રીટ્રીટ સેન્ટરને 1993માં ખુલ્લું મૂકાયું ત્યારથી કોમ્યુનિટીની સેવા સ્વરૂપે ધ્યાન અને સ્વવિકાસના કોર્સીસ, સેશન્સ અને એકાંતના સ્થળ તેમજ ઉત્સવો અને અન્ય ઈવેન્ટ્સ માટે કાર્યરત છે. આ સેન્ટર ઓક્સફર્ડશાયર અને તમામ ખંડ, ધર્મ અને પશ્ચાદભૂના લોકોની સેવા કરે છે.