શુક્રવાર ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ નવનાત ભવન, હેઝ ખાતે નવનાત વડીલ મંડળે પહેલી વખત મેગા અંતાક્ષરીના સૂરીલા કાર્યક્રમનું શાનદાર આયોજન કર્યું હતું. નિવૃત્તિની મજા માણવી હોય તો નવનાત વડીલના સભ્ય બની જવું, પછી મજા... મજા... ને મજા. લગભગ ૪૦૦ વડીલોની હાજરી જ એની સફળતાનો સજ્જડ પુરાવો છે.
સૌપ્રથમ ગરમાગરમ ચાય-નાસ્તાની મોજ માણીને તૃપ્ત થયા બાદ બધા હોલમાં ગોઠવાઇ ગયા. આ કાર્યક્રમમાં ૩૬ જેટલા વડીલોએ ભાગ લીધો હતો. સત્યમ, શિવમ્, સુંદરમ્ એમ ત્રણ ગૃપમાં ચાર-ચાર જણની કુલ નવ ટીમોએ ભાગ લીધો હતો.
નવનાત વડીલના પ્રેસિડેન્ટ શ્રી નલીનભાઇ ઉદાણીએ આ સ્પર્ધાને ૨૧મી સદીની શાનદાર ગણાવી હતી. એના કો-ઓર્ડીનેટરો શ્રીમતી પૂર્ણિમાબેન મેશ્વાણી અને ઇન્દિરાબેન કામદાર તથા સેક્રેટરી શ્રી રમેશભાઇએ આ સ્પર્ધાની સફળતામાં નોંધપાત્ર અનુદાન નોંધાવ્યું હતું. એનું સંચાલન શ્રીમતી કલ્પનાબેન ભટ્ટે આગવી શૈલીમાં કરી નવીનતમ આઇડિયાથી હરિફાઇને ચાર ચાંદ લગાવ્યા. એના નિર્ણાયકોમાં ‘ગુજરાત સમાચાર’ના શ્રીમતી જ્યોત્સનાબેન શાહ, બ્રહ્મ સમાજના શ્રી વિનોદભાઇ મહેતા અને લોહાણા સમાજના શ્રી સંદીપભાઇ રૂપારેલીયા હતા. સાઉન્ડ સિસ્ટમનું સંચાલન શ્રી અરવિંદભાઇ મહેતાએ કર્યું હતું. ફાઇનલની ટીમ વિજેતાના સભ્યો હતા સુરભિબેન ખોના, મહેશભાઇ ભારતીબેન મલકાન અને કોકીલાબેન.
જૂના ફિલ્મી ગીતોની આ અંતાક્ષરીમાં સભાગૃહના સભ્યોએ પણ ભાગ લઇ આનંદ માણ્યો હતો. ત્યાર બાદ શ્રી ભરતભાઇ અને કિશોરભાઇ ગંગારામે સ્પોન્સર કરેલ સ્વાદિષ્ટ શાકાહારી ભોજનનો આસ્વાદ માણી સૂરીલી યાદોં સહ સૌ કોઇ વિખરાયાં. આવા વધુને વધુ કાર્યક્રમો યોજવાની ફરમાયશ પણ આવી.