લંડનઃ નવનાત વણિક એસોસિએશન દ્વારા મહાવીર જન્મ કલ્યાણકની ઓનલાઇન ભક્તિભેર ઉજવણી કરાઈ હતી. સંસ્થા દ્વારા તા. ૬ માર્ચે મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણીનું આયોજન હતું પરંતુ કોરોના સંકટને કારણે આયોજન રદ કરાયું હતું. આખરે એસોસિએશનના પ્રમુખ દિલિપભાઇ મીઠાણી, કન્વીનર શ્રીમતી હસ્મિતાબેન દોશી તથા કમિટી સભ્યોએ આ ઉજવણી ZOOM પર કરવાનું બીડું ઝડપ્યું અને વેબ કમિટીના નીમેષભાઇ મહેતાનો સંપર્ક સધાયો હતો.
આ કટોકટીભર્યા સંજોગોમાં ટેકનોલોજીના માર્ગે ઉજવણી કરવાનો નિર્ધાર કરાયો હતો. તા.૫ માર્ચ, રવિવારે ૪૫૦ ધર્મપ્રેમી ભાઇ-બહેનોએ નામ નોંધાવ્યા હતા. વિધિકાર જયેશભાઇ શાહે મહાવીર જન્મકલ્યાણકની ભક્તિભેર ઉજવણી કરાવી હતી. શ્રીમતી સુરભિબેન ખોનાએ એમના સ્વર્ગસ્થ પતિશ્રી ધીરૂભાઇના સ્મરણાર્થે આ મહોત્સવના સ્પોન્સર બની લાભ લીધો હતો. સંસ્થા દ્વારા પ્રથમવાર આ રીતે ઓનલાઇન ઉજવણી થતાં તેને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.