નવનાત વણિક એસોસિએશનના પ્રીતિભોજનમાં હરખની હેલી: ૧૫૦૦ની વિશાળ હાજરી

- જ્યોત્સ્ના શાહ Friday 27th September 2024 04:23 EDT
 
 

પર્વાધિરાજ પર્યુષણ બાદ નવનાત વણિક એસોસિએશન તરફથી પ્રતિવર્ષ પ્રીતિ ભોજનનું શાનદાર આયોજન થાય છે. એ મુજબ આ વર્ષે રવિવાર તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ હેઝ ખાતેના નવનાત સેન્ટર ‘આપણું ઘર’ માં પ્રીતિ ભોજનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ૧૫૦૦ જેટલા નવનાતી ભાઇ-બહેનો દૂર-દૂરથી માઇલોની મુસાફરી કરી પધાર્યા હતા. મોટા મેળાવડા જેવું વાતાવરણ જામ્યું હતું. હોલની સુંદર સજાવટ,પ્રેમભર્યો મીઠો આવકાર, ચહલ-પહલ અને ખુશીભર્યો માહોલ.
શરૂઆતમાં જ સૌનું રજીસ્ટ્રેશન, જીવદયાના ભંડોળની અપીલ, નવરાત્રીની ટિકિટોનું વેચાણ, ‘નવરસ કુકબુક’ જેની પ્રથમ આવૃત્તિ એક જ સપ્તાહમાં વેચાઇ ગઇ હતી તેની બીજી આવૃત્તિના વેચાણે પણ જબ્બર આકર્ષણ જમાવ્યું હતું.
ભોજન સાથે એકબીજાને હળવા-મળવા અને મિચ્છામિ દુક્કડમ્ પાઠવવાના આ પ્રસંગે સૌ પ્રથમ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત પ્રમુખશ્રી જશવંતભાઇ દોશીએ કરતા સૌ સેવાભાવી ભાઇ-બહેનોની સેવાની સરાહના કરી હતી. આ ભોજન સમારંભની કોર કમિટીમાં શકુબહેન શેઠ, ઉષાબહેન શાહ, હસ્મિતાબહેન દોશી, પિયુષભાઇ વોરા અને બંસરીબહેન રૂપાણીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. કેટલાય દિવસોથી એની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ૨૪૩ વોલંટીયર્સ ભાઇ-બહેનો ભવનમાં કાર પાર્કથી માંડી, વ્યવસ્થા જાળવવા, વડિલો અને ખાસ કરીને ડિસેબલ્સને સેવા આપવા સહિત, પીરસવાની, સ્વચ્છતા જાળવવા સહિતના અનેક કામમાં આ સેવાભાવીઓ અથાક્ મહેનત કરી રહ્યાં હતાં પરંતુ એમના ચહેરા પર થાકના સ્થાને આનંદ,સંતોષ અને ગૌરવની લાગણી છલકાતી હતી. એમના કોમ્યુનિટી સ્પીરીટને સલામ કરવી ઘટે!
સ્વાદિષ્ટ રસોઇમાં બે મીઠાઇ, બે ફરસાણ, બે શાક, મસાલા પુરી, દાળ-ભાત-પાપડ-ચટણીથી ભરપૂર વ્યંજનોની મિજબાની માણવા સાથેનો મિલન સમારંભ ભાઇચારો કેળવવાનો અનેરો અવસર બની રહ્યો.
• દર શુક્રવારે અવનવા કાર્યક્રમો યોજી વડીલોને તરોતાજા રાખવામાં સદાબહાર નવનાત વડિલ મંડળે શુક્રવાર તા.૨૦ સપ્ટેમ્બરના રોજ મેડીટેશન તેમજ સમણ શ્રૃતપ્રજ્ઞાજીના પ્રવચનનો તેમજ શ્રાધ્ધ પક્ષ નિમિત્તે જાણીતા ગાયિકા અચલા મિયાણીના સુમધુર ગીત-સંગીતનો કાર્યક્રમ, અંજલિ ગીતો, ભજનો, ગુજરાતી ગીતો અને બોલીવુડ ગીતોની મહેફિલ સ્વાદિષ્ટ ભોજનના આનંદ સહ માણી હતી. તા.૨૭ સપ્ટેમ્બર શુક્રવારના રોજ દિવંગત આત્માઓના સ્મરણાર્થે ભજન-ભોજનનો સુમધુર ‘સ્મરણાંજલિ’ કાર્યક્રમ સવારના ૧૧ થી ૫ રાખવામાં આવ્યો છે. મેલોડી એક્સપ્રેસના કલાકારો અને સંગીતકાર મરીનાબહેન અને વ્રજેશભાઇ ભજનોની રમઝટ જમાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter