લંડનમાં વસતાં ભારતીય સમુદાયના હિતાર્થે અનેક સંસ્થાન-સંગઠન કાર્યરત છે, પરંતુ આમાં નવનાત વણિક એસોસિએશન (યુકે) મોખરાનું સ્થાન ધરાવે છે. જૈન સમુદાયના હિતોના જતન-સંવર્ધન માટે પ્રતિબદ્ધ આ સંગઠન તેની સ્થાપનાના પાંચ દસકા પૂરી કર્યા છે ત્યારે સુવર્ણ જયંતીની શાનદાર ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સ્મરણિકાના વિમોચન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે.
આ અંગે જાણકારી આપતા નવનાત વણિક એસોસિએશન (યુકે)ના પ્રમુખ દિલીપભાઇ વી. મિઠાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે અમે અમારી સુખ્યાત ચેરિટેબલ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાની સુવર્ણ જયંતી ઉજવી રહ્યા છીએ. આ પ્રસંગે સંસ્થાની વિકાસગાથાને રજૂ કરતા લેખોની સાથે સાથે શુભેચ્છકો-સમર્થકોની લાગણીને વાચા આપતા સુવેનિયરના પ્રકાશન થશે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું આયોજન થયું છે.
નવનાત વણિક એસોસિએશન અંગે વધુ માહિતી આપતાં દિલીપભાઇએ કહ્યું હતું કે ભારતના સૌથી પ્રાચીન ધર્મોમાં સ્થાન ધરાવતાં જૈન અને હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા અને મુખ્યત્વે લંડન તથા સાઉથ ઇસ્ટમાં વસતાં 7500થી વધુ પરિવારો આ સંસ્થાન સાથે જોડાયેલા છે. અમે સહુ સાથે મળીને આપણા સ્થાનિક સમુદાયો અને સમાજના વ્યાપક હિતમાં કામ કરી રહ્યાં છીએ. અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સભ્યોને તેમની સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને રમતગમતની પ્રવૃત્તિઓમાં મદદરૂપ થવાનો અને તેમના જીવનને વધુ સમૃદ્ધ બનાવવાનો છે. આ ઉપરાંત અમે યુકે અને ભારતમાં કાર્યરત બીજી જરૂરતમંદ સંસ્થાઓને સખાવત પણ પૂરી પાડીએ છીએ.
પાંચ દસકા પૂર્વે સ્થપાયેલી આ સખાવતી સંસ્થાએ લાંબી મજલ કાપી છે. આમ કહીને દિલીપભાઇએ ઉમેર્યું હતું કે અમારી સીમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણી માટે 26 નવેમ્બરે નવનાત સેન્ટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોથી માંડીને લંચ સુધીનું શાનદાર આયોજન થયું છે. આ પ્રસંગે રજૂ થનારા કાર્યક્રમોમાં સંસ્થાની પાંચ દાયકાના ઇતિહાસની ઝાંખી રજૂ કરાશે.
નવનાત વણિક એસોએશિનની જેમ જ ‘ગુજરાત સમાચાર’ પણ બ્રિટિશ-ભારતીય સમુદાયના હિતોના જતન-સંવર્ધન માટે સદૈવ સક્રિય છે અને તાજેતરમાં જ ‘ગુજરાત સમાચાર’એ પણ સ્થાપનાની સુવર્ણ જયંતી ઉજવી છે તે વાતનો ઉલ્લેખ કરતાં દિલીપભાઇએ કહ્યું હતું કે સંસ્થા હોય કે સાપ્તાહિક જ્યારે નિઃસ્વાર્થભાવે સમાજસેવા કરે છે ત્યારે લોકો તેને લોકહૃદયમાં સ્થાન આપતાં હોય છે. નવનાત વણિક એસોસિએશન અને ‘ગુજરાત સમાચાર’ આના શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ બન્ને સંસ્થાનોએ હંમેશા સમાજહિતને સર્વોપરી સ્થાન આપ્યું છે તે વાતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.