લંડનઃ નવનાત વણિક એસોસિયેશન દ્વારા રવિવાર 18 ઓગસ્ટ 2024ના રોજ સવારના 11 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી તમામ લોકો માટે ખુલ્લા અને નિઃશુલ્ક જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 1600થી વધુ લોકોએ મેળાનો લાભ લીધો હતો. મેળામાં ટ્રાવેલ, એજ્યુકેશન, ભારતીય ફૂડ અને ફેશન, જ્વેલરી, સૌંદર્ય ઉત્પાદનો, બોમ્બે સ્ટ્રીટ ફૂડ, ડ્રિન્ક્સ, પિઝા વાન અને આઈસ્ક્રીમ સહિત 66થી વધુ સ્ટોલ્સ હતા. કિડ્ઝ ઝોનમાં બાઉન્સી કેસલ્સ, મેરી-ગો-રાઉન્ડ, ફેસ પેઈન્ટિંગ તેમજ 13થી વધુ વયના બાળકો અને વયસ્કો માટે સ્પેશિયલ રાઈડનો સમાવેશ કરાયો હતો.
આ ઈવેન્ટમાં હિલિંગ્ડનના મેયર કાઉન્સિલર કોલીન સુલિવાન, હેરોના પૂર્વ મેયર કાઉન્સિલર નીતિનભાઈ પારેખ, ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘોષક મમતાબહેન ટોલીઆએ પ્રેસિડેન્ટ જસવંતભાઈ દોશીને સહુ મહેમાનોનું સ્વાગત કરવા જણાવ્યું હતું. મેયર અને અન્ય મહાનુભાવોએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આટલો મોટો કાર્યક્રમ યોજવા બદલ નવનાત વણિક એસોસિયેશનની પ્રશંસા કરી હતી. સેક્રેટરી સુભાષભાઈ બખીઆએ સહુ દાતાઓ, મહેમાનો અને જનતા પ્રતિ આભાર વ્યક્ત કરતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
વિશાળ તંબુમાં ગોઠવાયેલાં સ્ટેજ પર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. બપોરના 12થી 3ના ગાળામાં શશી રાણા અને રીમા ચાવડાએ લોકોની સંગાથે બોલીવૂડ ગાયનો અને નૃત્યોની રમઝટ લગાવી હતી. 4થી 5ના ગાળામાં એસોસિયેશનના જ કળાકારોએ પોતાની આઈટમ્સ રજૂ કરી હતી જેના ઉદ્ઘોષક શીરિષ મીઠાણી હતા. ભગિની પ્રેસિડેન્ટ સરોજબહેન વારીઆએ રેફલ ડ્રોનું સંચાલન કરવા સાથે રેફલ પ્રાઈઝ માટે દાતાઓનો આભાર પણ માન્યો હતો. જ્હાન્વી રાવલ અને તેમની ટીમ દ્વારા રજૂ કરાયેલા રાસગરબામાં લોકો પણ સામેલ થયા હતા. સાંજના સમયે મંદિરની અંદરથી ભગવાન શ્રી કૃષ્ણને રથમાં સ્ટેજ પર લવાયા હતા અને બાલ કૃષ્ણનો જન્મ દિવસ ઉજવાયો હતો. બાળ કૃષ્ણ અને નંદગોપાલો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ પછી રાસ લીલાને પણ ભક્તોએ માણી હતી.
આ વર્ષે નવનાત જન્માષ્ટમી મેળાને HSBCબેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ભારતીબહેનના કેન્યન ચેવડા (જતિશભાઈ માલ્દે) અને અને અભિનવ લામ્ફી પાઠકે સ્પોન્સર કર્યો હતો. ગુજરાત સમાચાર અને લાયકા રેડિયો દ્વારા આ ઈવેન્ટની પબ્લિસિટીને સ્પોન્સર કરાઈ હતી. રાત્રે 8 વાગ્યે જન્માષ્ટમી મેળાનું સમાપન થયું હતું. આયોજકો વતી રમેશભાઈ શાહ, કીરિટ બાટવીઆ, બચુભાઈ મહેતા, બંસરી રૂપાણી, સરોજબહેન વારીઆ અને કિશોર વોરાએ સહુનો આભાર માન્યો હતો.