નવનાત વણિક ભગિની સમાજ (NVBS) દ્વારા બાળકોની લોકપ્રિય અને ભવ્ય ક્રિસમસ પાર્ટીનું આયોજન નવનાત સેન્ટર ખાતે 7 ડિસેમ્બર 2024ના રોજ કરવામાં આવ્યું હતું. વરસાદ અને પવન છતાં, 200 જેટલા લોકોએ હાજરી આપી હતી. નવનાત વડીલ સંસ્થા દ્વારા મેઈન હોલની વ્યવસ્થા કરાયાથી આગળના દિવસથી જ પાર્ટીની તૈયારી કરી દેવાઈ હતી. NVBS ટીમે મુખ્ય હોલ અને પ્રાંગણમાં રંગબેરંગી ક્રિસમસ ટ્રીઝ અને ભવ્ય સજાવટ ઉપરાંત, બાળકો અને વયસ્કો માટે ડાઈનિંગ એરિયા અને લંચ ટેબલ્સ પણ શણગાર્યાં હતાં.
ફાધર ક્રિસમસ ડેવિડ હોલ્ડેને પરંપરાગત ગ્રોટોની વ્યવસ્થા કરી હતી. લતાબહેન અને હિતેશભાઈ કિશોરભાઈ શાહના સૌજન્યથી આશ્રેય કેર સેન્ટર અને ફૂલવાડી ક્લબ (Mencap)ના વિશિષ્ટ સભ્યોને આમંત્રિત કરાયા હતા. હર્ષદભાઈ દેસાઈએ ઉદારતાપૂર્વક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી આપી હતી. બાળકોને આવતાંની સાથે જ કૂકીઝ, પોપકોર્ન, લોલીપોપ્સ સાથેની પાર્ટી બેગ્સ આપવામાં આવી હતી અને તેમને કિડ્ડિઝ કોર્નર લઈ જવાયાં હતાં જ્યાં તેમણે કલરિંગ, ડ્રોઈંગ જેવી પ્રવૃત્તિઓની મઝા માણી હતી. સંસ્થાના સેક્રેટરી ભારતીબહેન શાહે સહુનું સ્વાગત કર્યું હતું. કીર્તિબહેન સંઘાણીએ કાર્યક્રમ વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી જ્યારે જયશ્રીબહેન વોરાએ ક્રિસમસ પાર્ટીના દાતાઓનો આભાર માન્યો હતો. દર વર્ષે NVBSને ગ્રોટોની તૈયારીના સપોર્ટ અને ફાધર ક્રિસમસની ભૂમિકા ભજવવા બદલ ડેવિડ હોલ્ડેનને ખાસ ગિફ્ટ હેમ્પર અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. ફુનોમીનલ પાર્ટીઝ દ્વારા મનોરંજક કાર્યક્રમ રજૂ કરાયો હતો. બાળકોને મેડલ્સ તેમજ ક્રિસમસની થીમના સ્ટિકર્સ અપાયાં હતાં. બાળકો અને મોટેરાઓએ પણ સંગીતના તાલે ડાન્સમાં ભાગ લીધો હતો. સંગીતખુરશીની રમતમાં પણ સહુએ આનંદપૂર્વક ભાગ લીધો હતો.
બીનાબહેન મયૂરભાઈ સંઘવી (NVA BOA) પાર્ટીમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જયશ્રીબહેન વોરા અનેકીર્તિબહેન સંઘાણીએ પાર્ટી બેગ્સ દાનમાં આપી હતી જ્યારે પલ્લવીબહેન વોરાએ મીઠાઈ આપી હતી. કલ્પનાબહેન પારેખે તેમની ગ્રાન્ડડોટર અનાઈયાના આગમન નિમિત્તે હરખથી કિટ કેટ આપી હતી. સંસ્થાના પ્રમુખ સરોજબહેન વારીઆના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ રસોઈની જયાફત સહુએ માણી હતી.
દાતા ભારતીબહેન કાનેશભાઈ ગાંધી તરફથી દિવંગત રુક્ષ્મણીબહેન અને ચીમનલાલ ગાંધી અને દિવંગત દમયંતીબહેન ધીરજલાલ ગઠાણીની સ્મૃતિમાં બાળકોને ક્રિસમસ પ્રેઝન્ટ્સ આપવામાં આવી હતી. બાળકોની ક્રિસમસ પાર્ટીને સફળ બનાવવા બદલ નવનાત વણિક ભગિની સમાજ ટીમ તરફથી સહુનો આભાર માનવામાં આવ્યો હતો.