નવનાત વણિક ભગિની સમાજ (NVBS) દ્વારા નૂતન વર્ષ 2025ના પ્રથમ કાર્યક્રમ તરીકે નવનાત સેન્ચર ખાતે રવિવાર 12 જાન્યુઆરીએ શમણીજી નીતિ પ્રજ્ઞાજી અને શમણીજી મલય પ્રજ્ઞાજીની ઉપસ્થિતિમાં સામાયિકનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાયિકમાં 240 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે શ્વેત વસ્ત્ર પરિધાન કરવાના હતા. નેમિશભાઈ અને પ્રીતિબહેન મહેતા શમણીજીને હોલમાં લઈ આવ્યાં હતાં.
ભગિની સમાજના વાઈસ પ્રેસિડેન્ટ જયશ્રીબહેન વોરાએ સન્માનીય શમણીજીનું સ્વાગત કર્યું હતું. પ્રેસિડેન્ટ સરોજબહેન વારીઆ તેમજ કન્વીનરો ભારતીબહેન શાહ અને તરલિકાબહેન મહેતાએ મહેમાનો સમક્ષ ટુંકા સંબોધનો કર્યાં હતાં. સરોજબહેને જણાવ્યું હતું કે સંસ્થાના સભ્ય સોનીઆબહેન મહેતાએ શમણીજીની હાજરીમાં સંથારો કર્યો હતો અને તેમની ઈચ્છા સમાજ દ્વારા સામાયિક યોજવાની હતી.
શમણીજીએ વિધિ કરી સભ્યોને 96 મિનિટ (2 સામાયિક) સુધી બેસી રહેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. પ્રથમ 15 મિનિટ પ્રાર્થનાસહ ધ્યાન ધરવામાં આવ્યું હતું. આ પછી, શમણીજીએ કર્મનો સિદ્ધાંત અને આપણા પર થતી તેની અસરો વિશે સમજાવ્યું હતું. સામાયિકનું સમાપન થયાં પછી પ્રેસિડેન્ટ અને કમિટી સભ્યોએ બંને શમણીજીને શ્વેત પશમિના શાલ ઓઢાવી સન્માનિત કર્યાં હતાં.
સરોજબહેન દ્વારા આરતી અને મંગળદીવાની ઉછાવણી કરાઈ હતી. રેખાબહેન મહેતા પરિવારના હસ્તે દિવંગત કંચનબહેન રમણિકલાલ મહેતાની પૂણ્યસ્મૃતિમાં આરતી માટે 375 પાઉન્ડ જ્યારે શોભનાબહેન મુકુંદભાઈ શહે મંગળદીવા માટે 351 પાઉન્ડથી લાભ લીધો હતો. ભારતીબહેન શાહે આભાર પ્રસ્તાવ રજૂ કરવા સાથે સહુ દાતાઓ તેમજ સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.
આ પછી, ખીર, પૂરી, કાચા કેળાં અને ચણાનું શાક, સેવ બૂંદી, દાળ, ભાત અને છાસનું સ્વાદિષ્ટ જૈન સ્વામિવાત્સલ્ય ભોજન પીરસાયું હતું.