13 માર્ચને રવિવારે હેઝમાં નવનાત સેન્ટર ખાતે નવા ડાઇનિંગ હોલના એક્સટેન્શનના ઉદઘાટન નિમિત્તે રીબન કટિંગ સેરીમની યોજાઈ હતી. આ પ્રસંગે વિશેષ અતિથિઓ તેમજ કોમ્યુનિટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ સ્વામીવાત્સલ્ય પ્રીતિ ભોજનમાં સૌએ સ્વાદિષ્ટ વાનગીઓની લિજ્જત માણી હતી.
નવનાત વણિક એસોસોએશન યુકેના પ્રમુખ દિલીપભાઇ મીઠાણીએ રીબન કટિંગ સેરીમનીમાં સંબોધિત કરતા જણાવ્યું કે, "નવનાત સેંટર આપણા જીવંત સમુદાયનું ઘર છે. આ વર્ષે નવનાત વણિક એસોસિએશનની 50મી વર્ષગાંઠ છે. 70ના દાયકાની શરૂઆતથી અત્યાર સુધીમાં ઘણા લોકો પૂર્વ આફ્રિકાથી આવ્યા અને બ્રિટનને નવું ઘર બનાવ્યું તે એક લાંબી મુસાફરી છે. તે સરળ નહોતું પરંતુ અમે સખત મહેનત કરી અને સમાજહિત અને સંસ્કૃતિના વિસ્તરણમાં ઘણું યોગદાન આપ્યું. અમે અમારા સપના અને પ્રયત્નોનું રોકાણ કર્યું અને નવનાત કેન્દ્રની સ્થાપના શરૂ કરી.
દિલીપભાઇએ જણાવ્યું કે, ‘હું પ્રમુખ તરીકે ચૂંટાયો તેના એક અઠવાડિયા પહેલા, અમને એક્સ્ટેન્શનની પરવાનગી મળી હતી પરંતુ તે સરળ ન હતી. માર્ચ 2020 માં પ્રથમ લોકડાઉન દરમિયાન અમે પ્રોજેક્ટ પર કામ કરવાનું ચાલુ રાખ્યું. જુલાઈ 2020માં 92 ટકા સભ્યોએ વિસ્તરણની તરફેણમાં મતદાન કર્યું હતું. આનાથી પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવાની તાકાત મળી. જો અમે રાહ જોઈ હોત તો અમને લગભગ 300,000 પાઉન્ડ વધુ ખર્ચવા પડ્યા હોત. તમામ દાનદાતા, સ્વયંસેવકો અને અમારા પ્રોજેક્ટ મેનેજરનો આભાર માનું છું. બીજી બાજુ, નવનાત સેન્ટરે નોર્થવેસ્ટ લંડનમાં રસીકરણના શ્રેષ્ઠ આંકડા હાસલ કર્યા છે. પાંચ મહિનામાં 80,000 ડોઝ અપાયા છે, જે ગૌરવની વાત છે.’
નવનાત વણિક એસોસિએશન (યુકે) એ એક વ્યાપક સામાજિક મિશન સાથેની એક સખાવતી સંસ્થા છે જેમાં ભારત અને અન્ય સ્થળોએ આરોગ્ય અને શિક્ષણ સંબંધિત પ્રોજેક્ટ્સ દ્વારા જરૂરિયાતમંદ અને વંચિતોને મદદ આપવાનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મેયર હિલિંગડન રોય કેમ્ડલ, પૂર્વ મેયર નિતિનભાઇ પારેખ, એમપી જોન મેકડોનેલ, લોર્ડ ડોલર પોપટ, મુખ્ય દાનદાતાઓ રોહિતકુમાર મહેતા, કૂલેશભાઈ શાહ, કેતનભાઇ અડાણી, યોગેશભાઇ મહેતા સિવાય એશિયન વોઇસ-ગુજરાત સમાચારના એડીટર ઇન ચીફ સીબી પટેલ, નવીનભાઇ શાહ, રેખાબેન શાહ અને ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા.
સમણીજી પ્રતિભા પ્રજ્ઞાજી અને સમણીજી પુણ્ય પ્રજ્ઞાજીએ મંગળ પાઠ કર્યું હતું. રીબન કટિંગ સેરીમનીની સુંદર સજાવટ હોલ સેક્રેટરી હસ્મિતાબેન દોષી દ્વારા કરવામાં આવી હતી.
સંયોજન અને સંચાલન મમતાબેન ટોલિઆએ કર્યું.