લંડનઃ ભારતીય આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી આ મહિને યુકેની મુલાકાતે આવી રહ્યા છે. ગુરુજીની નિશ્રા હેઠળ નવનાત સેન્ટર હેઈઝ ખાતે રવિવાર 28 એપ્રિલ, 2024ના રોજ બપોરના 3.00થી સાંજના 6.00 વાગ્યા સુધી સમર્પણ મેડિટેશન-ધ્યાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી શિવકૃપાનંદ સ્વામી ટ્રસ્ટ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી પારસ મેઈશેરીએ જણાવ્યું હતું કે,‘ પૂજ્ય ગુરુજીની ઉપસ્થિતિમાં સમર્પણ મેડિટેશન આંતરિક શાંતિની ખોજ અને તમારા આત્મા સાથે જોડાવાની અનોખી તક ઓફર કરે છે. ધ્યાન અને યોગ હંમેશાં જૈનદર્શનના કેન્દ્રીય સિદ્ધાંતો રહ્યા છે. ધ્યાન અને યોગ આપણા આત્માની સાચી ઓળખને સમજવામાં મદદ કરે છે. જૈનદર્શન ભાવ (આંતરિક પ્રતિબિમ્બ) પર આધારિત છે અને આપણી આધ્યાત્મિક પ્રગતિ આપણા કાશ્ય (વાસના- લાલસા)ને ઘટાડવાથી જ થાય છે.’
તેમણે ઉમેર્યું હતું કે,‘ધ્યાન આપણને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરવાની સાથોસાથ આંતરિક શાંતિ, આંતરિક સ્થિરતા, જીવનનો ઉદ્દેશ અને સમભાવની ખોજ કરે છે. પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા 1994માં સ્થાપિત સમર્પણ મેડિટેશન હિમાલયની પ્રાચીન ધ્યાનપદ્ધતિ છે જે આધુનિક જીવનની જટિલતાઓમાંથી પાર ઉતારે છે. હિમાલયની ધ્યાનપદ્ધતિ સમર્પણના સંસ્કાર છે જે શરણાગતના ભાવ પર ભાર મૂકે છે, કોઈ શારીરિક પ્રવૃત્તિઓ કે જટિલ કાર્યપદ્ધતિઓની જરૂર હોતી નથી. હિમાલયની ધ્યાનપદ્ધતિ ધર્મ, વય કે લિંગથી બંધાયેલી નથી આમ છતાં, તે અનાસક્તિ, શરણાગતિ અને પ્રત્યેકમાં રહેલી આંતરિક શુદ્ધતા-પવિત્રતાના અનુભવના જૈન ઉપદેશોને આગળ વધારે છે. સમર્પણ મેડિટેશન અને જૈનદર્શન, બંને આંતરિક પરિવર્તન, નૈતિક વર્તન અને આધ્યાત્મિક મુક્તિ (મોક્ષ)ના મહત્ત્વ પર ભાર મૂકે છે.’
આ ઈવેન્ટ તમામ માટે નિઃશુલ્ક છે પરંતુ, બેઠકો મર્યાદિત હોવાથી રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે જેની નોંધણી https://docs.google.com/forms/d/e/1FAIpQLSfdT7Xv5atCZH1xXWAxfa7-cTjdOoz94zhysbPsR2cbQ2SDug/viewform લિન્ક મારફત કરાવી શકાશે.