લંડનઃ વણિક કાઉન્સિલ દ્વારા 40 કરતાં વધુ વર્ષથી લગ્નમેળાવડાઓનું આયોજન કરવામાં આવે છે જેને હવે સ્પીડ ડેટિંગ નામથી ઓળખવામાં આવે છે. સ્પીડ ડેટિંગ થકી યુવાન જૈન અને હિન્દુ લગ્નોત્સુકોને મળવા અને જીવનસાથી શોધવાની તક પૂરી પડાય છે. આ વર્ષે NCGOના સહયોગ સાથે નવનાત સેન્ટર ખાતે રવિવાર 17 નવેમ્બર 2024ના રોજ ઈવેન્ટ યોજાયો હતો જેમાં 157 લગ્નોત્સુકોએ ભાગ લીધો હતો.
આ વર્ષે ભારે ડિમાન્ડના કારણે યુવાનો પાસેથી સામાન્ય ક્લોઝિંગ તારીખથી પાંચ સપ્તાહ પહેલા રજિસ્ટ્રેશન લેવાનું બંધ કરાયું હતું અને ઘણા યુવાનોએ નિરાશ થવું પડ્યું હતું. દરેક ઈવેન્ટમાં લોકોને લગભગ સરખી વયના અન્ય લોકો સાથે ગ્રૂપિંગ કરાયું હતું અને એકબીજા સાથે સ્પીડ ડેટિંગની તક અપાઈ હતી. આ વર્ષના ઈવેન્ટમાં મોટા ભાગના લોકો 50થી 60 લોકો સાથે ડેટિંગ કરી શક્યા હતા. આ ઈવેન્ટ્સમાં ઘણા લોકોએ પોતાના જીવનસાથી શોધી લીધા છે અને વધુ લોકોને તક મળી શકે તે માટે 18 મે 2025ના રોજ આગામી ઈવેન્ટ યોજાનાર છે.
સ્પીડ ડેટિંગ ઈવેન્ટ તમામ વયના બધા ગુજરાતી જૈન અને હિન્દુઓ માટે ખુલ્લો છે. આ વર્ષે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO)ના સહયોગ સાથે ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પીડ ડેટિંગ ઈવેન્ટના ભાગરૂપે દરેક વ્યક્તિ સંપર્કની વિગતો મેળવવા અન્ય 30 જેટલી વ્યક્તિની પસંદગી કરી શકે છે. આ વર્ષે કોન્ટેક્ટ વિગતો માટે કુલ 1315 વિનંતી આવી હતી. જેનો અર્થ એમ કરી શકાય કે સરેરાશ એક વ્યક્તિ માટે તેમની સંપર્કની વિગતો મેળવવા 8થી વધુ વ્યક્તિએ વિનંતી કરી હતી અને દરેક પાસે જીવનસાથી શોધવાની તક હતી.
આ વર્ષે ઈવેન્ટ બાબતે ઘણો સારો ફીડબેક મળ્યો છે અને દરેક વર્ષે ઈવેન્ટ વધુ સારી રીતે યોજી શકાય તે માટે સંસ્થા આતુર રહે છે. વધુ વિગતો મેળવવા www.vanikcouncil.uk વેબસાઈટની મુલાકાત લઈ શકાશે અથવા મેઈલિંગ લિસ્ટમાં સામેલ થવા [email protected]ને ઈમેઈલ કરી શકાશે.