નવરાત્રિ મહોત્સવ ૨૦૧૫ની લંડનમાં રંગે ચંગે ઉજવણી થઇ

Tuesday 27th October 2015 14:33 EDT
 
 

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો ખાતે નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત સપ્તાહે લંડનના મેયર પદના કોન્ઝર્વેટીવ પક્ષના ઉમેદવાર અને એમપી ઝેક ગોલ્ડસ્મીથ, લોર્ડ ડોલર પોપટ, એમપી બોબ બ્લેકમેન, ડેપ્યુટી કોન્ઝર્વેટીવ લીડર - કાઉન્સિલર બેરી મેકલેઅોડ-કલીનેન, કાઉન્સિલર અમિત જોગીઆ, કાઉન્સિલર મનજીભાઇ કારા, કાઉન્સિલર કાંતિભાઇ રાબડીયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં કમિટી મેમ્બર્સ સાથે અગ્રણીઅો નજરે પડે છે.

પીજ યુનિયન યુકે ટ્રસ્ટ દ્વારા અોશવાલ મહાજન વાડી, ક્રોયડન ખાતે નવરાત્રિ મહોત્સવની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. અોરકેસ્ટ્રા મ્યુઝિક રીધમ - જયુ રાવલના ગીતસંગીતને સંગ યુવાન ખેલૈયાઅોએ રાસગરબા અને હિંચની રંગત જમાવી હતી.

કરમસદ સમાજ યુકે દ્વારા નક્ષત્ર, ફેલ્ધામ ખાતે નવરાત્રિ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. સૌ કરમસદવાસીઅો અને મહેમાનો મન મૂકીને રાસ-ગરબામાં જોડાયા હતા. જે પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે.

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર, SKLPC, નોર્થોલ્ટ ખાતે યુકે અને યુરોપના સૌથી મોટા નવરાત્રિ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ૩૧,૦૦૦ સ્ક્વેરફીટની વિશાળ મારકીમાં તા. ૧૭ને શનિવારના રોજ આશરે ૨,૦૦૦ માઇભક્તોએ રાસગરબાની મઝા માણી હતી. પ્રસ્તુત તસવીરમાં આરતી કરતા ભાઇ-બહેન ભક્તો નજરે પડે છે.

રેડ લોટસ ઇવેન્ટ દ્વારા ગ્રીનફર્ડ હોલ, ગ્રીનફર્ડ ખાતે આશિષ દવે અને પ્રીતિ વરસાણી સાથે રાજકોટથી પધારેલા કલાકારો સાથે યુકેવાસી ખેલૈયાઅોએ રાસગરબાની રમઝટ બોલાવી હતી. પારંપરિક રાસગરબા ઉપરાંત સૌથી અગત્યનું પાસુ એ હતું કે અહિં માતાજીને નવરાત્રિની સમાપ્તી વખતે ભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી. પ્રસ્તુત તસવીરમાં માતાજીને વિદાય આપતા ભક્તો સાથે સંગત સેન્ટરના શ્રી કાંતિભાઇનાગડા નજરે પડે છે.

મિલન ગૃપ વોલિંગ્ટન દ્વારા વોલિંગ્ટન ખાતે હંમેશની જેમ નવરાત્રિ મહોત્સવનું દિવસ દરમિયાન આયોજન થયું હતું. ચા-પાણી અને પ્રસાદ સાથે વડિલોએ રાસગરબાની મોજ માણી હતી. પ્રસ્તુત તસવીરમાં માતાજીની આરતી કરતા ભક્તો નજરે પડે છે.

સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા આ વર્ષે નોર્બરી મેનોર બિઝનેસ અને એન્ટરપ્રાઈઝ કોલેજ ફોર ગર્લ્સ, ખાતે ધામધૂમપૂર્વક નવરાત્રિ મહોત્સવ દરમિયાન નવે દિવસ રાસગરબાની મઝા માણી હતી. સૌએ નોમના દિવસે ફાફડા-જલેબીનો આનંદ લીધો હતો. પ્રસ્તુત તસવીરમાં ભક્તિભાવપૂર્વક માતાજીની આરતી કરતા ભક્તો નજરે પડે છે.

ધ બ્રાહ્મિન સોસાયટી નોર્થ લંડન, બરડાઇ બ્રહ્મ સમાજ લંડન અને યુકે વાલમ બ્રાહ્મિન એસોસિએશન દ્વારા સંયુક્તપણે નવરાત્રી ઉત્સવનું આયોજન જેએફએસ સ્કૂલ, કેન્ટન ખાતે કરવામાં આવ્યું હતું. માયા દિપક અને ધૃવ ગઢવીએ રજૂ કરેલા ગીત સંગીતના તાલે ખેલૈયાઅોએ ગરબાની મોજ માણી હતી. આ પ્રસંગે 'ગુજરાત સમાચાર'ના તંત્રીશ્રી સીબી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંપર્ક: 020 8930 0727 / 07944 913 208.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter