લંડનઃ નાગ્રેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લેટન રોડસ્થિત હરિબહેન બચુભાઈ નાગ્રેચા હોલ ખાતે રવિવાર, 1 ઓક્ટોબર,2023ના દિવસે ‘બડી દૂર સે આયે હૈ’ મ્યૂઝિકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં કર્ણમધૂર ગીતો ઉપરાંત, નાગ્રેચા બંધુઓ દ્વારા NHSને તબીબી સંશોધન અને સારવારોના વિકાસ અર્થે 100,000 પાઉન્ડનું નોંધપાત્ર દાન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટના મુખ્ય મહેમાનપદે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સીબી પટેલના હસ્તે UCLH NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ ખાતે ક્લિનિકલ હેડ અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લીઅર મેડિસીનના ક્લિનિકલ ડિપાર્ટમેન્ટના વડા પ્રોફેસર જમશેદ બોમાનજી, ડો. વૂ અને ડો. રેઈડ સહિતની NHS ટીમને 100,000 પાઉન્ડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કોમ્યુનિટીમાં વિનુભાઈના નામથી લોકપ્રિય વિનોદરાય બચુભાઈ નાગ્રેચાએ જણાવ્યું હતું કે,‘અમે હંમેશાં આપણી સંસ્કૃતિ, કોમ્યુનિટી અને આપણે જે દેશમાં રહીએ છીએ તેને મજબૂત બનાવવાના શક્ય તમામ પ્રયાસ કરીએ છીએ છીએ. NHSનો સ્ટાફ આપણા માટે સખત મહેનત કરે છે. દેશની સપોર્ટ સિસ્ટમને સપોર્ટ કરવાની આપણી ફરજ છે.’
સીબી પટેલે જણાવ્યું હતું કે,‘વિનુભાઈ, હસુભાઈ અને ઉમિબહેન અનોખાં લોકો છે. આ દેશમાં હું ઘણા લોકોને જાણું છું પરંતુ, માત્ર તેઓ જ એવા લોકો છે જેઓ તેમના માતા અને પિતાનું મંદિર ધરાવે છે. આ સામાન્ય બાબત નથી; આપણા બાળકો માટે આ ઘણી મહત્ત્વની બાબત છે, તેઓ જાણી-યાદ રાખી શકે કે વિરાસત શું છે. લોકો નાણા બનાવે છે પરંતુ, મહત્ત્વની બાબત તો સમાજના કલ્યાણ માટે નાણાનો કેવી રીતે ઉપયોગ કરવો તે જ છે. તેઓ નાણા કેવી રીતે બનાવવા તે જાણે છે, પેરન્ટ્સનો આદર કેવી રીતે કરવો અને નાણા કેવી રીતે ખર્ચવા તે પણ જાણે છે. દિવાળીના સમયે ઘણા લોકો વધુ આધ્યાત્મિક અને સખાવતી કાર્યો કરવાની પ્રેરણા મેળવશે. 100,000 પાઉન્ડ ઘણી મોટી રકમ છે અને તેનાથી NHSના મહાકાય પ્રયાસોને ભારે પ્રોત્સાહન સાંપડશે.’
મ્યૂઝિકલ ઈવેન્ટમાં રફીના અવાજ તરીકે જાણીતા પ્રખ્યાત ગાયક અભિજિત રાવ, લતાના અવાજ તરીકે ઓળખાતાં વેદા નેલ્લાન અને પ્રતિભાશાળી ગાયિકા મિતાલી નાગ દ્વારા ભજનો અને બોલીવૂડના ગીતોની રજૂઆતો કરવામાં આવી હતી. ઓડિયન્સમાં 800થી વધુ લોકોથી હોલ ભરચક હતો. ગોલ્ડન એરા સાથે સંકળાયેલાં કર્ણમધૂર ગીતોથી ઓડિયન્સ મધૂરી યાદોમાં ખોવાઈ ગયું હતું.