નાગ્રેચા હોલમાં રચાયો આદ્યશક્તિની આરાધના અને રાષ્ટ્રભક્તિનો સંગમ

Friday 27th October 2023 04:16 EDT
 
 

લંડનઃ નવલા નવરાત્રિ પર્વે ઇસ્ટ લંડનમાં આવેલા નાગ્રેચા હોલમાં રાસ-ગરબાની રમઝટ જામી હતી. દરરોજ 2,000થી વધુ લોકો અહીં ઉમટતા હતા, જેમાં યુવાધનની સંખ્યા સવિશેષ નજરે પડતી હતી. નાગ્રેચા હોલમાં નવરાત્રિ ઉજવણીની વિશેષતા એ હતી કે અહીં આદ્યશક્તિની આરાધના, રાસગરબા અને રાષ્ટ્રભક્તિનો સંગમ રચાયો હતો.
એક પછી એક સુપરહીટ રાસગરબા - ‘તારા વિના શ્યામ...’, ‘ઢોલીડા ધીમો ધીમો વગાડ મા...’, ‘ઓઢણી ઓઢું...’, ‘કેસરિયો રંગ...’, ‘વાગ્યો રે ઢોલ...’, ‘વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા...’, ‘સનેડો...’, ‘છોગાળા તારા...’ની રમઝટે નવરાત્રિનો માહોલ જમાવ્યો હતો. તો વળી ‘મેરે દેશ કી ધરતી, સોના ઉગલે, ઉગલે હીરામોતી’ ગીતે રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જ્યો હતો.
નાગ્રેચા હોલ જતાં અને પરત ફરતાં માર્ગો પર, બસોમાં અને ટ્રેનોમાં આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો માહોલ છવાયો હતો. લંડનના વિવિધ વિસ્તારોમાંથી લોકો નવરાત્રિ માણવા નાગ્રેચા હોલ પહોંચ્યા હતા. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ લોકો થોડી થોડી વારે ‘જય માતાજી’ના નારા લગાવીને માહોલ ગજાવી રહ્યા હતા. માતાજીની આરાધના સાથે સાથે અહીં ‘પેટપૂજા’ની પણ સુંદર વ્યવસ્થા હતી. કેન્ટીનમાં લોકો માટે નજીવી કિંમતે એકદમ તાજા અને લિજ્જતદાર વ્યંજનોની સુવિધા કરાઇ હતી. અલબત્ત, ગરબામાં એન્ટ્રી તદ્દન ફ્રી હતી. નવરાત્રિની આ ભવ્ય ઉજવણી પાછળના ઈતિહાસ પર પ્રકાશ પાડતાં ઉમીબહેન રાડિયાએ જણાવ્યું હતું કે, ‘વિનુભાઈ અને હસુભાઈ નાગ્રેચાએ આપણી સંસ્કૃતિને તેમજ આપણા સમુદાયને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે 1974માં પોપલર સિવિક થિયેટરમાં નવરાત્રિ પર્વની ઉજવણી શરૂ કરી હતી. છ વર્ષ બાદ આ ઉજવણી નાગ્રેચા કેશ એન્ડ કેરી પાર્ક ખાતે શરૂ કરવામાં આવી હતી. અહીં એક મોટી માર્કી બનાવવામાં આવી અને 2007માં લેટન રોડ ખાતે હરિબહેન બચુભાઈ નાગ્રેચા હોલ સાકાર થયો. ઉલ્લેખનીય છે કે તમામ નાગ્રેચા ભાઈઓ અને બહેનોના પરિવારો આ ઉજવણી સાથે સંકળાયેલા છે. અમે આ બધું એટલા માટે કરી રહ્યા છીએ કે જેથી આવનારી પેઢીનો નાતો આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે અને તેઓ આપણા પગલે ચાલી શકે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter