ભુજઃ સનાતન વૈદિક ધર્મમાં અક્ષયતૃતિયા અખાત્રીજનું મહર્ષિઓએ મહાત્મય ખૂબ જ વર્ણવેલું છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે આ પવિત્ર દિવસે નિષ્કપટ થઈને ભક્તિભાવ પૂર્વક આરાધ્ય ઈષ્ટદેવનું પૂજન અર્ચન કરનારો સદૈવ સુખ શાંતિ જીવનમાં મેળવી શકે છે.
અખાત્રીજ પર્વે શ્રી સ્વામિનારાયણ મંદિર-નારણપરના 66મા પાટોત્સવ પ્રસંગની ભારે ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, વચનામૃત ગ્રંથની પારાયણ યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ.પૂ. શ્રી મુકતજીવન સ્વામીબાપાએ કરી હતી.
આ આધ્યાત્મિક પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના નેતૃત્વમાં માનવસેવા, પશુસેવા માટે ઘાસચારો, દવા વિતરણ, વિવિધ ગૌશાળા માટે તથા પ્રજ્ઞાચક્ષુના સંતાનોના અભ્યાસ માટે લાખો રૂપિયાનું માતબર દાન કરાયું હતું. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા જ્ઞાનસત્ર - સત્સંગસત્રનો પ્રારંભ થયો હતો, જે લગભગ એક માસ સુધી ચાલશે. આમ હાલમાં કચ્છ પ્રદેશ ધર્મના વાતાવરણમાં લહેરાઈ રહ્યો છે.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે આશીર્વચન આપતાં ભારત રાષ્ટ્ર માટે તન-મન-ધનથી કુરબાની કરવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જે પ્રકારે સૈનિકો રાતદિવસ રાષ્ટ્રની સેવા માટે ખડેપગે ઉભા રહે છે અને જેમના લીધે આપણે સુખચેનથી રહી શકીએ છીએ તેવા સૈનિકો પાસેથી આપણે સહુએ બોધપાઠ લેવો જોઇએ. આ મહોત્સવમાં દેશ વિદેશના હરિભક્તોએ મોટા પ્રમાણમાં પરમ ઉલ્લાસભેર લાભ લીધો હતો.