નાઈરોબીઃ નારાયણ સેવા સંસ્થાને (NSS) નોંધપાત્ર માનવતાવાદી પ્રયાસમાં કેન્યાના વિવિધ શહેરોમાં 20થી 30 જાન્યુઆરી 2024ના ગાળામાં ફ્રી કેમ્પ્સનું આયોજન કર્યું હતું અને 602થી વધુ જરૂરિયાતમંદ વિકલાંગોને નારાયણ મોડ્યુલર લિમ્બ્સનું વિતરણ કર્યું હતું. નાઈરોબી, કિસુમુ, કિસ્સી, મેરુ અને મોમ્બાસામાં આયોજિત કેમ્પ્સમાં સંખ્યાબંધ વ્યક્તિને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારા પ્રોસ્થેટિક અવયવોની ભેટ અપાઈ હતી. કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર રાઈલા ઓડિંગાના પત્ની ડો. ઈડા ઓડિંગાએ કિસુમુ શિબિરમાં ખાસ હાજરી આપી હતી.
લોર્ડ મહાવીર સ્વામી ફોલોઅર્સ (નાઈરોબી), પ્રાઈડ એન્ટરપ્રાઈસીસ લિમિટેડ, નેમચંદ કચરા અને સ્વ. ઝવેરચંદ રામજી ગુડકા અને પરિવાર (કિસુમુ), વિશા ઓશવાલ કોમ્યુનિટી (કિસ્સી) હિન્દુ સમાજ મેરુ અને મોમ્બાસા સિમેન્ટ સહિત પ્રતિષ્ઠિત પાર્ટનર્સના અમૂલ્ય સહયોગ થકી આ અસરકારક પહેલો શક્ય બની હતી. NSS ઈન્ડિયાના વડા મથક ઉદયપુરથી કેન્યા પહોંચેલી મેડિકલ નિષ્ણાતોની ટીમ અને સપોર્ટ સ્ટાફ અને તમામ કેમ્પ્સની વ્યવસ્થાનું કાર્યસંકલન શ્રી સૂર્યકાન્ત ચાલ્લા (પ્રેસિડેન્ટ NSS કેન્યા ચેપ્ટર)એ સંભાળ્યું હતું. આ કેમ્પ્સમાં નારાયણ મોડ્યુલર લિમ્બ્સનું વિતરણ કરાવા સાથે એપ્રિલ 2024માં યોજાનાર આગામી શિબિરોમાં કૃત્રિમ અવયવોનું વિતરણ કરાનાર છે તેવા 750થી વધુ જરૂરિયાતમંદો માટે પ્રોસ્થેટિક સાધનો બરાબર ફીટ થઈ શકે તે માટે ચોકસાઈપૂર્વક માપ પણ લેવાયાં હતાં.
નારાયણ સેવા સંસ્થાનના પ્રેસિડેન્ટ શ્રી પ્રશાંત અગ્રવાલે આ ઉદ્દેશ પ્રતિ કટિબદ્ધતા દર્શાવતા જણિાવ્યું હતું કે,‘ આ કેમ્પ્સ એમ્પ્યુટીઝના સશક્તિકરણના અમારા ધ્યેયમાં વધુ એક સીમાચિહ્ન છે. નારાયણ સેવા સંસ્થાન જરૂરિયાતમંદોને નિઃશુલ્ક અને ઉચ્ચ ગુણવત્તાના પ્રોસ્થેટિક અવયવો પુરા પાડવા સમર્પિત છે. આ પહેલોને શક્ય બનાવતા અમારા પાર્ટનર્સ અને વોલન્ટીઅર્સના સપોર્ટ બદલ અમે તેમના આભારી છીએ.’
ગત ત્રણ વર્ષમાં નારાયણ સેવા સંસ્થાને વિવિધ પ્રદેશોમા 12 કેમ્પનું આયોજન કરી 1500થી વધુ નારાયણ મોડ્યુલર લિમ્બ્સનું વિતરણ કર્યું હતું. સંસ્થા એમ્પ્યુટીઝના જીવન પર કાયમી અસર સર્જવા અને મદદનો વ્યાપ વિસ્તારવા પ્રતિબદ્ધ છે જેથી તેઓ આઝાદી અને ગતિશીલતા પ્રાપ્ત કરી શકે. કેમ્પ્સના વ્યવસ્થાપક શ્રી રવિશ કાવડિયાએ જણાવ્યું હતું કે બિનનફાકારી સંગઠન નારાયણ સેવા સંસ્થાન શારીરિક અક્ષમતા ધરાવતા અને આર્થિક નિઃસહાય લોકોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી મેડિકલ, શૈક્ષણિક અને પુનર્વાસ સેવા પૂરી પાડી માનવતાની સેવાને સમર્પિત સંસ્થા છે. સંસ્થા અક્ષમ લોકોને પ્રોસ્થેટિક અવયવો, શિક્ષણ અને વોકેશનલ ટ્રેનિંગ પૂરી પાડવા અને સમાજમાં તેમને સમાવી લેવા નિઃશુલ્ક શિબિરોનું આયોજન કરે છે.