લંડનઃ નિસડન ટેમ્પલના લોકપ્રિય નામે વધુ પ્રસિદ્ધ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે તમામ વયની 1300થી વધુ મહિલાઓ ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD) 2025ની ઊજવણી કરવા એકત્ર થઈ હતી. ‘એમ્બ્રેસિંગ અવર આઈડેન્ટિટીઃ પ્રોટેક્ટ, સ્ટ્રેંગ્ધન, રિજોઈસ’ વિષય સાથેનો આ ઈવેન્ટ સમુદાયોના ઘડતર અને આપણા વિશ્વમાં વિધેયાત્મક પરિવર્તને વિકાસાવવામાં સ્ત્રીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓને યાદ અપાવનારો બની રહ્યો હતો.
આ વર્ષના ઈવેન્ટમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ, વિરાસતને ગળે લગાવવા અને તેના પ્રસાર કરવામાં સ્ત્રીઓમાં વિશ્વાસની પ્રેરણાના મહત્ત્વને સમજાવવાનું અનોખું પ્લેટફોર્મ જોવાં મળ્યું હતું. આ ઈવેન્ટ વ્યક્તિના મૂળને સમજવા અને મજબૂત કરવા થકી આધુનિક પડકારો અને ખાસ કરીને ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ, ઓળખના સંઘર્ષો અને સામાજિક એકીકરણ સહિત મુદ્દાઓમાંથી પાર ઉતરવા કેટલા મદદરૂપ બની રહે છે તેને હાઈલાઈટ કરનારો બની રહ્યો હતો.
ડાઈવર્સિટી,ઈક્વિટી અને સમાવેશિતાના પ્રખર હિમાયતી તુલસી વાઘજીઆનીએ તેમના હિન્દુ મૂલ્યો અને આસ્થા વ્યક્તિગત અને વ્યાવસાયિક યાત્રામાં પડકારો ઝીલવામાં અને ઘડતરમાં કેવી રીતે શક્તિનો સ્રોત બની રહ્યાં તેની સમજ આપતી રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘વિશ્વ બદલાઈ રહ્યું છે, આપણી ઓળખ પણ બદલાઈ રહી છે ત્યારે આપણે વિશ્વ સાથે સ્પર્ધા કરવી નથી. આપણે તો ગઈ કાલે હતા તેનાથી બહેતર બનવાનું છે, આવતી કાલ બહેતર બનાવવાની છે. સ્ત્રીઓને બેટન પાસ કરો! તમે જ્યારે કશું સારું કરશો ત્યારે અન્યને ઊંચા લાવજો અને તેમને બહેતર કરવામાં મદદ કરજો.’
રેબી હન્નાહ કિંગ્સ્ટન (જેઓ 2020માં યુનાઈટેડ નેશન્સ યંગ રીલિજિયસ લીડર તરીકે પસંદ થયાં હતાં), કાઉન્સિલર મીનલ સચદેવ (શિવા ફાઉન્ડેશનના સ્થાપક અને ડાયરેક્ટર અને હર્ટ્સમીઅર બરો કાઉન્સિલમાં ચૂંટાયેલાં પ્રથમ ભારતીય મહિલા), જૂલી સિદ્દિકી MBE (ઈન્ટરફેઈથ રીલેશન્સ અને સામાજિક કામગીરીને સમર્પિત લૈંગિક સમાનતા કેમ્પેઈનર), અને નિકિતા મોરાર (પ્રતિભાશાળી આર્કિટેક્ટ્યુલર અને ઈન્ટિરિયર ડિઝાઈનર)ની બનેલી પેનલે આસ્થા, ઓળખ, અને સામુદાયિક સંવાદિતા જેવાં વિષયોની ચર્ચા હાથ ધરી હતી.
પ્રિયા મેનન ( KPMG ખાતે AI નિષ્ણાત) દ્વારા પ્રી-રેકોર્ડેડ વીડિયોમાં યુવા મહિલામાં મજબૂત મૂલ્યો સ્તાપિત કરવાના મહત્ત્વ પર ભાર રખાયો હતો. હિન્દુ નારીત્વને ઉજવતાં ભવ્ય નૃત્ય પરફોર્મન્સ સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું. આ પછી, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો ખાસ રેકોર્ડ કરાયેલો સંદેશો સંભળાવાયો હતો. આપણા સમાજના તમામ સભ્યોને સશક્ત બનાવી તેમના ઉત્થાનની પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રતિબદ્ધતાના પુનરોચ્ચાર સાથે યુકેમાં અન્ય 30 BAPS મંદિરો અને સેન્ટરો તથા યુરોપમાં પણ આ જ વિષયો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો હતો.