લંડનઃ ભારતની લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ શનિવારે નિસડન મંદિર તરીકે જાણીતા એવા વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે યુકેના હાઉસ ઓફ કોમન્સના સ્પીકર લિન્ડસે હોયલના આમંત્રણથી ઓમ પ્રકાશ બિરલા પાંચ દિવસના બ્રિટન પ્રવાસે આવ્યા છે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી મંદિરના સંતો દ્વારા તેઓનું પરંપરાગત હિન્દુ શૈલીથી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
મંદિરની દિવ્યતા-ભવ્યતાથી અભિભૂત ઓમ પ્રકાશ બિરલાએ કહ્યું હતું કે લંડનમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન તેમજ ભારતના અનુપમ વારસાનો અનુભવ અત્યંત સુખદ રહ્યો. આ મંદિર ન કેવળ આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે, પરંતુ ભારતીય ધર્મ, સંસ્કૃતિ, સેવા અને માનવીય મૂલ્યોનું વૈશ્વિક મંચ પણ છે. બીએપીએસના કાર્યો સમગ્ર વિશ્વમાં ભારતના સામર્થ્ય અને પ્રભાવનો પરિચય આપી રહ્યા છે. હું બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને તેના સેવા કાર્યો માટે અભિનંદન પાઠવું છું.’
તેમણે આ મુલાકાત દરમિયાન મૂર્તિઓના દર્શન તેમજ અભિષેક દ્વારા મંદિરની આધ્યાત્મિક ઉર્જા અને પવિત્રતાનો અનુભવ કર્યો હતો. સાથે સાથે જ તેમણે બીએપીએસ સંસ્થા દ્વારા ભારતમાં, યુકે - યુરોપમાં થઈ રહેલાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક સેવાકાર્યો વિશે, ખાસ કરીને પેરિસમાં નિર્માણાધીન બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર વિશે જાણકારી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2022 માં ઓમ પ્રકાશ બિરલાના નેતૃત્વમાં ભારતીય સંસદસભ્યોના એક ડેલિગેશને અબુ ધાબીમાં તે સમયે નિર્માણાધિન બીએપીએસ હિન્દુ મંદિરના સ્થળની મુલાકાત લીધી હતી. વર્ષના અંતમાં, બિરલાએ દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.