લંડનઃ નિસ્ડન ટેમ્પલના લોકપ્રિય નામથી પ્રખ્યાત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઊજવણી ભાવભક્તિ સાથે કરવામાં આવી હતી.
વિશ્વભરમાં કરોડો હિન્દુઓના લોકપ્રિય દેવ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ હિન્દુ કેલેન્ડર અનુસાર શ્રાવણ વદ આઠમની મધરાતે થયા હતો. આ વર્ષે તેમના દિવ્ય જન્મનો ઉત્સવ-જન્માષ્ટમી સોમવાર 26 ઓગસ્ટ,2024ના રોજ હતો જેને ભક્તિભાવપૂર્વકની અનેક ઊજવણીઓ સાથે ઊજવાઈ હતી. ભક્તજનો અને મુલાકાતીઓએ પૂજાપ્રાર્થના અને આદર વ્યક્ત કરવા સમગ્ર દિવસ દરમિયાન મંદિરની મુલાકાત લીધી હતી તેમજ પારણામાં રખાયેલા ભગવાન શ્રી કૃષ્ણના બાળસ્વરૂપને ઝૂલાવ્યું હતું. પરંપરા અનુસાર મંદિરના ગર્ભગૃહમાં સંખ્યાબંધ મીઠાઈ અને સ્વાદિષ્ટ વાનગીઓનો ભવ્ય થાળ-અન્નકૂટ ગોઠવાયો હતો.
ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પ્રસંગે સાંજની ધર્મસભામાં સ્વામીજીઓએ સભાને ઉપદેશ આપતા શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય જીવન અને અનંત ઉપદેશો વિશે જણાવ્યું હતું. તેમણે મઆ ઉપદેશોને વર્તમાન રોજિંદા ઘટનાક્રમો સાથે સાંકળ્યા હતા અને મહાન હેતુઓ અને આધ્યાત્મિક સંતોષી જીવન જીવવામાં આધુનિક યુગમાં પણ પ્રાચીન હિન્દુ ડહાપણની પ્રસ્તુતતા દર્શાવી હતી.
બાળકો, યુવાનો અને સ્વામીજીઓએ ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય જન્મને જન્મોત્સવ આરતી સાથે ઊજવ્યો હતો. આ પછી, શ્રી કૃષ્ણના બાળસ્વરૂપને પારણામાં રાખી ઉત્સાહપૂર્ણ ભક્તિગીતો સાથે ઝૂલાવ્યા હતા. આના પછી, ઊજવણીઓનું આનંદ સાથે સમાપન કરવામાં આવ્યું હતું.