લંડનઃ હિન્દુઓના પ્રકાશપર્વ દિવાળી નિમિત્તે લંડનના મેયર સાદિક ખાન રવિવાર 12 નવેમ્બરે સ્થાનિક કોમ્યુનિટીના હજારો લોકોની સાથે નિસ્ડન મંદિરમાં તહેવારને ઉજવવા સામેલ થયા હતા. વર્તમાન મુશ્કેલ સમયમાં મંદિરની ઉજવણીઓમાં પારિવારિક મૂલ્યો, વ્યક્તિગત આધ્યાત્મિકતા અને કોમ્યુનિટીના દાનની ઉત્કટ ભાવના અને આશાના કિરણનું દર્શન થાય છે. મેયરની ઉપસ્થિતિએ લંડનના સાંસ્કૃતિક વૈવિધ્ય અને સાંપ્રદાયિક સુમેળના મહત્ત્વનું પ્રતિબિંબ દર્શાવ્યું હતું.
મેયરે સાંજે રંગબેરંગી આતશબાજીનું ઉદ્ઘાટન કર્યું હતું જેનાથી નોર્થ-વેસ્ટ લંડનના રાત્રિ આકાશમાં પ્રકાશ અને ધ્વનિનો સમન્વય જોવા મળ્યો હતો. હજારો લોકો સદીઓથી ચાલતી વિધિઓ, સંગીતના સુસંવાદી સૂર અને સ્વાદિષ્ટ શાકાહારી ભોજનનો આસ્વાદ માણવા એકત્ર થયા હતા. જીવનનિર્વાહ કટોકટીની અસંખ્ય પરિવારો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિઃસ્વાર્થ સેવા અને સખાવતની ભાવનાથી પ્રેરિત નિસ્ડન મંદિર સ્થાનિક ફૂડ બેન્ક્સને તાજા ફળો અને શાકભાજી પૂરા પાડવાના ધ ફેલિક્સ પ્રોજેક્ટમાં ભાગીદારીમાં જોડાયું છે.
ઉજવણીઓ વિશે પોતાની લાગણીઓ દર્શાવતા મેયર ખાને જણાવ્યું હતું કે,‘આ મંદિરે આવવામાં મને ગમતી ઘણી બાબતોમાં એક તો લોકોની વિવિધતા છે. દેશના સમગ્ર વિસ્તારો તેમજ વિશ્વભરમાંથી લોકો દિવાળી ઉજવવા અહીં આવે છે. નિસ્ડન ટેમ્પલના વોલન્ટીઅર્સના સેવાકાર્યથી હું પ્રભાવિત છું. સૌથી આનંદદાયક વાત તો એ છે કે તમે માત્ર હિન્દુઓની જ નહિ પરંતુ, સહુની સેવા કરો છો. મહામારીના ગાળામાં યુવાનોએ વૃદ્ધોની મદદનું કાર્ય ઉપાડી લીધું હતું. જીવનનિર્વાહ કટોકટીમાં સંઘર્ષરત પરિવારોને મદદ પણ ઘણું મહત્ત્વનું કાર્ય છે. ધ ફેલિક્સ પ્રોજેક્ટ અને નિસ્ડન ટેમ્પલ વચ્ચે ભાગીદારી જોઈને મને ઘણો આનંદ થયો છે.’
યુદ્ધકાળમાં દેશની સેવામાં શહીદી વહોરનારા લશ્કરી દળોના હીરોઝને રીમેમ્બરન્સ સન્ડેની સભામાં મંદિર દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી જેમાં બ્રિટિશ આર્મી, વેસ્ટર્ન ફ્રન્ટ એસોસિયેશન, રોયલ બ્રિટિશ લીજિયન અને વિવિધ ધાર્મિક કોમ્યુનિટીઝનાં સભ્યો હાજર રહ્યા હતા.
મંદિરના સ્વયંસેવક ચાંદની દેપાળાએ જણાવ્યું હતું કે,‘ નિસ્ડન ટેમ્પલમાં ઉજવણીઓ ઉત્સવોના મૂલ્યો કઈ રીતે સરહદોને ઓળંગી જાય છે, કોમ્યુનિટીઓને એકસંપ કરે છે તેમજ સખાવત અને દયાના કાર્યોને પ્રેરણા આપે છે તેનું ઉદાહરણ આપે છે. પ્રકાશ, અચ્છાઈ અને સંપના પ્રતીકરૂપે દિવાળીનો સંદેશો વધુ તેજ આપે છે અને વિશ્વમાં આશા અને સંસંવાદિતાની લાગણી પ્રસરાવે છે જેની આજે તાતી જરૂર છે.’