લંડનઃ ભારતના વિદેશ પ્રધાન ડો. એસ જયશંકર અને તેમના પત્ની ક્યોકો જયશંકરે રવિવાર 12 નવેમ્બરે નિસ્ડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત લંડનસ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને બ્રિટિશ હિન્દુઓ તથા ભારતીય ડાયસ્પોરાના સભ્યો સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. મંદિરના વરિષ્ઠ સ્વામીઓ અને ટ્રસ્ટીઓએ ડો. જયશંકરનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. ડો. જયશંકરે પત્ની ક્યોકો સાથે મંદિરનો ટુંકો પ્રવાસ કર્યો હતો તેમજ શાંતિથી મંદિરના સ્થાપત્યને નિહાળ્યું હતું અને મંદિર તથા અનુયાયીઓ દ્વારા સમગ્ર બ્રિટિશ સમાજને કરાયેલા યોગદાન વિશે જાણકારી મેળવી હતી.
જયશંકર દંપતીએ ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠ વર્ણી મહારાજને અભિષેક કર્યો હતો અને પ્રાર્થનાખંડમાં સંબોધન પણ કર્યું હતું. લંડનસ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ભારતની બહાર સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર હોવા સાથે યુરોપમાં સૌથી મોટું મંદિર છે. આ મંદિર આશરે 30 વર્ષથી યુકેના હાર્દમાં ભારતીય મૂલ્યોનું મૂર્તિમંત સ્વરૂપ બની રહ્યું છે. મંદિર આધ્યાત્મિક ઉપદેશો, ઉત્સાહપૂર્ણ સાંસ્કૃતિક ઉજવણીઓ અને અનુયાયીગણની પરિશ્રમની નીતિ મારફત ભારતીય વિરાસતની સમૃદ્ધિ અને વૈવિધ્યતાનું પ્રતિબિંબ દર્શાવતું રહ્યું છે.
ડો. જયશંકરે મંદિરના આ યોગદાનનો ઉલ્લેખ કરવા સાથે જણાવ્યું હતું કે,‘ભારતની મુખ્ત્વે છબી ભારતમાં શું બની રહ્યું છે તેના પર રહે છે પરંતુ, તેનો મહદ્ હિસ્સો તમારામાંથી (ભારતીય ડાયસ્પોરાના સભ્યો) દરેક તમારા કાર્યો, તમારા જીવન, તમારા પડોશ અને તમારી પ્રવૃત્તિઓનો પણ રહે છે. વિદેશમાં રહેતો ભારતીય સમુદાય આપણી સાચી તાકાત છે. આથી ફરી એક વખત, તમે રોજ જે કાંઈ કરો છો તે બદલ હું આપનો આભાર માનું છું. આ જ બાબત ભારતની ખરેખર ઓળખ છે. હું આજે અહીં આપની સમક્ષ છું તે મારું સદનસીબ છે.’
યુકેમાં BAPSના ટ્રસ્ટી સંજય કારાએ જણાવ્યું હતું કે,‘ વિદેશપ્રધાન મંદિરમાં દીવાળી ઉજવવા બ્રિટિશ હિન્દુઓ અને આપણી સ્થાનિક કોમ્યુનિટી સાથે જોડાયા તે આપણા માટે ગૌરવ છે. આ મંદિર સ્વયંસેવાભાવ અને કોમ્યુનિટીની સેવાની લાગણીઓ થકી યુનાઈટેડ કિંગ્ડમ અને ભારતના સહિયારાં મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આજના પવિત્ર દિવસે આપણે હાર્દિક પ્રાર્થના કરીએ કે તેઓ ધીરતા અને ન્યાયપરાયણતા સાથે ભારતની સેવા કરતા રહે.’