નીસડન મંદિર ખાતે આયોજિત 10 દિવસીય પ્રેરણા ઉત્સવ 31 જુલાઈના રોજ મુલાકાતીઓની ઐતિહાસિક હાજરી સાથે સમાપ્ત થયો. સાંજે, મુલાકાતીઓ અને સ્વયંસેવકોએ ઈંગ્લેન્ડની યુરો 2022 ઐતિહાસિક જીતની ઉજવણી કરી. જીવન, સંસ્કૃતિ અને સંવાદિતાની 10-દિવસીય ઉજવણી વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયને મદદ કરવા તેમજ સાથે મળીને આનંદ માણવા માટે કાયમ માટે સંભારણારૂપ બની રહેશે. નીસડેન મંદિરના મેદાન અને તેની આસપાસ 7-એકરની જગ્યામાં ફેલાયેલ ફેસ્ટિવલ 3,000 થી વધુ સ્વયંસેવકો અને સેંકડો સમર્થકોની નિઃસ્વાર્થ સેવા દ્વારા શક્ય બન્યો છે. આ ઉત્સવ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી જન્મજયંતિની ઉજવણીમાં તેમના પ્રેરણાદાયી જીવન, કાર્ય અને શાણપણ પર કેન્દ્રિત હતો. 22થી 31 જુલાઇ દરમિયાન યોજાયેલા આ ઐતિહાસિક ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશનનો 75 હજારથી વધુ મુલાકાતીઓએ લ્હાવો લીધો હતો.
પ્રેરણાદાયી સ્થળો, અવાજો અને સ્વાદિષ્ટ વ્યંજનો, સમગ્ર પરિવાર માટે આનંદ અને શીખવા માટે કંઈક હતું. આઉટડોર ફેસ્ટિવલ સ્ટેજ ભારતીય લોક અને ભક્તિ ગાયકો, ભારતીય અને પશ્ચિમી વાદ્યવાદકો અને શાસ્ત્રીય નૃત્ય મંડળો સહિત વિવિધ પ્રતિષ્ઠિત કલાકારોના સંગીત અને નૃત્યના જીવંત મિશ્રણ માટેનો મંચ બની રહ્યો હતો.
આઇલેન્ડ ઓફ હીરોઝમાં, દેશભરની પ્રતિભાશાળી યુવા ટીમો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન ખરેખર પ્રેરણાદાયક હતું. 600 થી વધુ સ્વયંસેવકો અને કલાકારોની મદદથી મલ્ટિમીડિયા શો, મ્યુઝિકલ પ્રોડક્શન્સ, યુવી લાઇટ શો, એસ્કેપ રૂમ, અવરોધ કોર્સ અને ઇન્ટરેક્ટિવ ગેમ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી જેણે દરેક બાળકની અંદર છૂપાયેલી ક્ષમતા અને હીરોને શોધવામાં મદદ કરી હતી. ગાર્ડન ઑફ ડિવિનિટીમાં, ભારતના કેટલાક મહાન સંતો, ઋષિઓ, ફિલસૂફો અને કવિઓની સંક્ષિપ્ત કથાઓ સાથેની ભવ્ય મૂર્તિઓ હતી.
તે ઉપરાંત મંદિરમાં પવિત્ર મૂર્તિઓના નિર્મળ દર્શન, હિંદુ ધર્મને સમજવા માટેનું માહિતીપ્રદ પ્રદર્શન અને હેલ્થ હબ મુખ્ય આકર્ષણ બની રહ્યાં હતા. અલબત્ત, પ્રમુખ સ્વામી મહારાજની 27 ફૂટની મૂર્તિ પ્રેરણા ઉત્સવની મુખ્ય પ્રતિકાત્મક વિશેષતાઓમાંની એક હતી. આ મહા-મૂર્તિએ મુલાકાતીઓને દૈનિક મહા-આરતીમાં ભાગ લેવાની તક આપી.