આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતું નીસડન મંદિર દ્વારા આયોજિત 10 દિવસના રંગારંગ પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ એકઠાં મળીને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરુઓ પૈકીના એક અને નીસડન મંદિરના સ્થાપક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણીમાં જોડાઇ રહ્યાં છે.
નીસડન મંદિર પરિસરમાં આયોજિત આ પ્રેરણા ઉત્સવના કેન્દ્ર સ્થાને ઓપન એર ફેસ્ટિવલ સ્ટેજ રહેલું છે જ્યાં દરરોજ બપોરના બેથી રાતના નવ એવોર્ડ વિજેતા કલાકારો દ્વારા રજૂ થતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સંગીત-નૃત્યના કાર્યક્રમો રજૂ થઇ રહ્યા છે. ઉજવણીમાં ભારતીય લોકગાયકો અને ભજનગાયકો, ભારતીય અને પશ્ચિમના વાદકો, શાસ્ત્રીય નૃત્ય વૃંદો જોડાયાં છે. દેશમાંથી આવેલી યુવા કલાકારોની ટુકડીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ઉત્કૃષ્ટ કલાત્મક પ્રદર્શનોની પૂરક બની રહી છે. પ્રતિભાશાળી યુવા કલાકારોની આ ટુકડીઓને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને દૂરંદેશી સાથે તૈયાર કરાઇ છે.
મુલાકાતી ફ્લેવર્સ ઓફ ઇન્ડિયા ફૂડ કોર્ટ ખાતે શાકાહારી વ્યંજનોની લહેજત સાથે કલાકારો દ્વારા રજૂ થનારા કાર્યક્રમો માણી શકે છે. ફૂડ કોર્ટમાં ભારતભરની વાનગીઓ તેમજ ઇન્ડો-ચાઇનીઝ વાનગીઓ તથા બ્રિટિશ, ઇટાલિયન અને મેક્સિકન વાનગીઓ પીરસાઇ રહી છે. ગરમ અને ઠંડી સ્વીટ ટ્રીટ તથા સોફ્ટ ડ્રિંક્સ પણ ઉપલબ્ધ છે. જો સંગીત, નૃત્ય અને વાનગીઓ પુરતાં ન પડે તો અહીં માણવા માટે બીજા ઘણા આકર્ષણો છે. જેમાં આઇલેન્ડ ઓફ હીરોઝ, ચિલ્ડ્રન્સ એડવેન્ચર લેન્ડથી માંડીને ઇન્ડોર મલ્ટી મીડિયા શો, નિશુલ્ક સામુદાયિક હેલ્થ હબ, નિદર્શનો અને વર્કશોપનું પણ આયોજન કરાયું છે. મંદિર પરિસરમાં તૈયાર કરાયેલ પ્રમુખ સ્વામી મહારાજની 27 ફૂટ ઊંચી મહા પ્રતિમા સમક્ષ દરરોજ યોજાનારી મહાઆરતીમાં ભક્તો ભાગ લઇ શકશે. તે ઉપરાંત પણ અહીં ઘણા બધા આકર્ષણો ઉપલબ્ધ રહેશે.