નીસડન ટેમ્પલ તરીકે જાણીતું BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર જ્યાં આવેલું છે તે નોર્થ વેસ્ટ લંડનમાં મેડો ગાર્થ રોડના પૂર્વ ભાગને મંદિરના પ્રેરક પૂ. પ્રમુખ સ્વામી મહારાજના સન્માનમાં ‘પ્રમુખ સ્વામી રોડ’ નામ અપાયું હતું. હાલના સંકુલની સામે નાનું મંદિર આવેલું હોવાથી લોકલ હિંદુ કોમ્યુનિટીને છેલ્લા ૪૦ વર્ષથી મેડો ગાર્થ સાથે સબંધ છે. પ્રમુખ સ્વામીએઓગસ્ટ ૧૯૯૫માં મેડો ગાર્થ રોડ પર આવેલા ખૂબ મોટા મંદિરનું ઉદઘાટન કર્યું હતું, જે યુરોપમાં આ પ્રકારનું પ્રથમ પરંપરાગત હિંદુ મંદિર અને ભારત બહાર સૌથી મોટું મંદિર બન્યું છે.
મેડો ગાર્થ રોડના પૂર્વ ભાગને પ્રમુખ સ્વામી રોડ નામ આપવાના નિર્ણયને બ્રેન્ટ કેબિનેટે ૧૨ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સત્તાવાર મંજૂરી આપી હતી. બ્રેન્ટમાં મંદિર આંતરરાષ્ટ્રીય સીમાચિહ્ન હોવાથી તેમજ બરોને આપેલા યોગદાનને લીધે કાઉન્સિલે આ નિર્ણય કર્યો હતો. મંદિર દ્વારા કોમ્યુનિટી સાથે સહયોગ સાધીને જ્યારે કોવિડ મહામારી ખૂબ વધી હતી ત્યારે જરૂરતમંદોને પહોંચાડેલા ૫૦,૦૦૦થી વધુ હોટ મીલ્સ અને હાલમાં કોવિડ એન્ટિજન ટેસ્ટીંગની સુવિધા પૂરી પાડવામાં મંદિર દ્વારા થઈ રહેલી મદદને બીરદાવવામાં આવી છે.
મંદિરના વોલન્ટિયર ગીરીશ પટેલે જણાવ્યું કે આ મંદિર આ કોમ્યુનિટીના જ નહીં પરંતુ, સમગ્ર યુકે અને દુનિયાના લોકોને પ્રમુખ સ્વામી મહારાજની ભેટ છે. મેડોગ્રાથ રોડના એક ભાગને તેમના નિઃસ્વાર્થ જીવનના સન્માનમાં નામ અપાયું છે તેના આભારી હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રમુખ સ્વામીએ મંદિરની તેમની ઘણી મુલાકાતો દરમિયાન સંખ્યાબંધ લોકોને આશીર્વાદ આપ્યા છે અને પ્રેરણા પૂરી પાડી છે. મંદિરની ભવ્ય વીરાસત અને રોડનું પુનઃનામકરણ આવનારી પેઢીઓેને પ્રેરણા પૂરું પાડતું રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.
મંદિરના ટ્રસ્ટી ડો. મયંક શાહે જણાવ્યું કે નીસડન મંદિર ખાતેથી અમે સૌ બ્રેન્ટ કેબિનેટ અને બરોના લોકોએ કરેલા આ ફેરફારની પ્રશંસા કરીએ છીએ અને તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.