BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર (નીસડન મંદિર) દ્વારા ગુજરાત સમાચારના સુવર્ણ જયંતી વર્ષમાં ગુજરાત સમાચાર-Asian Voice ટીમ માટે વિશેષ દર્શન અને અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સંતોએ આશીર્વાદ આપ્યા. પૂજ્ય સાધુ યોગવિવેકદાસજી દ્વારા સભામાં ગુજરાત સમાચાર-Asian Voice (ABPL ગ્રૂપ)ના ચેરમેન અને એડિટર ઇન ચીફ સી.બી. પટેલનું બહુમાન કરવામાં આવ્યું હતું.
‘ગુજરાત સમાચાર’ UK ભારતમાં અમારા મૂળ સાથે જોડતો સેતુ છે: પૂજ્ય સાધુ યોગવિવેકદાસજી
પૂજ્ય સાધુ યોગવિવેકદાસજીએ જણાવ્યું હતું કે, BAPS સ્વામિનારાયણ સંસ્થા UK અને યુરોપના દરેક વ્યક્તિ તરફથી, અમે ગુજરાત સમાચારને UKને તેની 50મી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. આ ખરેખર પ્રશંસનીય સીમાચિહ્ન છે. ગુજરાત સમાચાર UK ભારતમાં અમારા મૂળ સાથે જોડતો સેતુ છે. આ વિશિષ્ટ વર્ષગાંઠ પર, અમે ગુજરાત સમાચાર ટીમના દાયકાઓ સુધીના સમર્થન માટે યાદ કરીએ છીએ અને આભાર માનીએ છીએ. વર્ષ 1995માં મંદિર મહોત્સવ દરમિયાન સી.બી. પટેલ પેટ્રન હતા. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના શુભ અવસર પર, અમે સી.બી. અને પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ વચ્ચેના સંવાદને પ્રેમપૂર્વક યાદ કરીએ છીએ.
શાસ્ત્રીજી મહારાજના સમયથી BAPS સંસ્થા સાથે સી.બી. પટેલ અને પરિવારનો અનન્ય નાતો: પૂજ્ય પ્રબુદ્ધમુનિદાસ સ્વામી
મંદિરની સભામાં, ‘ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન’ની પ્રસ્તાવના મૂકવામાં આવી જે 22 જુલાઈથી 31 જુલાઈ સુધી ચાલશે. આ પછી પૂજ્ય પ્રબુદ્ધમુનિદાસ સ્વામીએ સંબોધન કરતા જણાવ્યું કે, ‘આજે સભામાં આપણા ગુણાનુરાગી સત્સંગી બંધુ પધાર્યા છે, જેમને પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ચંદ્રકાંતભાઈના નામે બોલાવતા હતા. મૂળ ભાદરણ ગામના વતની જેમના દાદા મણિભાઈ, બાપુજી બાબુભાઈ અને કાકા આપાભાઈ છે અને શાસ્ત્રીજી મહારાજના સમયથી BAPS સંસ્થા સાથે જેમનો અનન્ય નાતો રહ્યો છે.’
સ્વામીજીએ જણાવ્યું કે, ‘વર્ષ 1945માં અટલાદરા મંદિર પ્રતિષ્ઠા ઉત્સવ વખતે ખૂબ વરસાદ પડ્યો હતો. મૂર્તિ સલાટને ત્યાંથી કેવી રીતે લાવવી તે મોટો પ્રશ્ન હતો. ત્યારે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને આજ્ઞા કરી કે, આપાભાઈની ટ્રકમાં તમે મૂર્તિ લઈ આવો. પ્રમુખસ્વામી મહારાજ અને આપાભાઈ સલાટને ત્યાં પહોંચ્યા ત્યારે સલાટે કહ્યું કે પહેલાં પૈસા મૂકો પછી જ મૂર્તિ આપીશ. તે વખતે આપાભાઈએ BAPS સંસ્થાનો પક્ષ રાખ્યો હતો અને સેવા કરી હતી, તેમના ભત્રીજા એટલે આ ચંદ્રકાંતભાઈ.’
‘બાળવયે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ભાદરણમાં સંસ્કૃત પાઠશાળામાં શિક્ષણ લેવા પધાર્યા ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો કર્યો હતો. કેટલાક લોકોએ ગેરસમજથી તેમનો વિરોધ કર્યો અને અઘટિત વર્તન કર્યું. તે સમયે સિંહગર્જના કરી શાસ્ત્રીજી મહારાજનો પક્ષ રાખનાર હરિભક્ત હતા બાબુભાઈ અને તે બાબુભાઈના દીકરા એટલે આ ચંદ્રકાંતભાઈ જેમને આપણે સી.બી. પટેલના નામથી ઓળખીએ છીએ.’
પ્રબુદ્ધમુનિદાસ સ્વામીએ જણાવ્યું કે, ‘બાપ એવા બેટા... આ સંસ્કાર સી.બી. માં પણ જોવા મળે છે. BAPS પ્રત્યે ખૂબ જ પ્રેમ અને અનુરાગ છે. મંદિરના દરેક પ્રસંગોમાં પોતે હાજર રહ્યા છે. જેમનો સહકાર હરહંમેશા આપણને મળતો રહ્યો છે એટલે એવું પણ કહી શકાય કે બાપ કરતા બેટા સવાયા. ખાસ જાત મહેનત કરીને શૂન્યમાંથી સર્જન કરીને ગુજરાત સમાચારનો સેવાશ્રમ ઊભું કર્યું છે. ગુજરાત સમાચારના પચાસમા વરસે આપણે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને હજુ પણ ખૂબ પ્રગતિ કરે અને સર્વવાતે સાનુકૂળ થાય એ જ ભગવાન સ્વામિનારાયણ, પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ, પ.પૂ. મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.’
ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર આદરણીય જ્યોત્સ્નાબેન શાહ, તેમના પુત્ર અને કેકેઆર ઇંડિયાના મેનેજિંગ ડાયરેક્ટર જિગર શાહ, પુત્રવધુ નમિતાબેન શાહ, ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાનું સ્વાગત BAPS ટીમના યોગેશભાઇ પટેલ, ભાવિકભાઇ દેપાલા, યોગેનભાઇ શાહ, ખુશાલીબેને કર્યું.