નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર - લંડન ખાતે ૨૩ જૂનને મંગળવારે મંદિરના સંતો દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ રથયાત્રાનું વેબકાસ્ટ પણ કરાયું હતું. યુકે અને સમગ્ર યુરોપના હજારો ભાવિક ભક્તોએ તે નિહાળ્યું હતું અને તેમના ઘરેથી રથયાત્રા ઉત્સવમાં જોડાયા હતા. રથયાત્રા ‘રથના ઉત્સવ’ તરીકે પ્રખ્યાત છે. આ નામ સંસ્કૃત શબ્દો રથ (રથ) અને યાત્રા (શોભાયાત્રા) પરથી આવ્યું છે.
સાંજે યોજાયેલા આ ઉત્સવમાં સત્સંગનો ભક્તિ કાર્યક્રમ, ભજનો અને શણગારેલા રથમાં મૂર્તિઓની મંદિર પરિસરમાં પરિક્રમાનો સમાવેશ થતો હતો. નીસડન ટેમ્પલના મુખ્ય સાધુ યોગવિવેકદાસ સ્વામીએ રથયાત્રાના આધ્યાત્મિક મહત્ત્વ વિશે પ્રવચન આપ્યું હતું અને ઉચ્ચ આધ્યાત્મિક આદર્શોને જીવનમાં ઉતારીને ભગવાનના રથ સાથે જોડાવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
૧૯૭૦માં યોગીજી મહારાજની લંડન મુલાકાત દરમિયાન યોજાયેલી રથયાત્રાની ઉજવણીની સ્મૃતિઓને તાજી કરીને કાર્યક્રમનું સમાપન થયું હતું.