લંડનઃ વિવિધ પશ્ચાદભૂ અને વય સાથેની 1300થી વધુ મહિલાએ 9 માર્ચ 2024ના દિવસે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડેની ઉજવણી નિમિત્તે નીસ્ડન મંદિર તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. દિવસનો આરંભ વિમેન ઓફ ધ વર્લ્ડ (WOW) ફાઉન્ડેશનની WOW ગર્લ્સ ફેસ્ટિવલ બસના સત્કાર સાથે કરાયો હતો. ફેસ્ટિવલ બસના સમગ્ર યુકેના પ્રવાસના આખરી તબક્કામાં ફાઉન્ડેશને નીસ્ડન ટેમ્પલની પસંદગી કરી હતી. ક્વીન કેમિલાના પ્રમુખપદના પેટ્રોનેજ હેઠળ WOW ફાઉન્ડેશન લૈંગિક સમાનતાની હિમાયત કરવા સાથે વિશ્વભરની સ્ત્રીઓ અને છોકરીઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.
સાંજના સમયે ‘સેલિબ્રેટિંગ વિમેનઃ અપલિફ્ટિંગ કોમ્યુનિટીઝ’ ટાઈટલ સાથે પ્રેરણાદાયી કાર્યક્રમમાં દરેક વ્યક્તિ કેવી રીતે સંવાદિતાના હિમાયતી બની શકે તેમજ ભૂતકાળ અને વર્તમાનની સ્ત્રીઓમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. કોવિડ મહામારી અને વર્તમાન જીવનનિર્વાહ કટોકટી મધ્યે વ્યક્તિો અને કોમ્યુનિટીઓ દ્વારા સામનો કરાયેલા પડકારો વિશે પણ વિચાર કરાયો હતો જેમાં વિધેયાત્મક માનસિકતા કેળવવી અને દયાના નાના કાર્યોથી પણ સમાજમાં એકતા અને રચનાત્મક અસરોના પરિવર્તનકારી શક્તિ પર ભાર મૂકાયો હતો.
બે કલાકના ચર્ચા કાર્યક્રમના પેનલિસ્ટોમાં WOW ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કોલેટ બેઈલી, ‘ઈવેન્ટ્સ ગુરુ’ના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર હીના સોલંકી, કોમ્યુનિટી ફાર્માસિસ્ટ અને વોલન્ટીઅરીંગ માટે કોરોનેશન ચેમ્પિયન એવોર્ડવિજેતા સુષ્મા પટેલ, ‘હોમલેસ ઈિન એક્શન બાર્નેટના સહસ્થાપક અને એજવેર અને હેન્ડોન રીફોર્મ સિનેગોગ ખાતે એજ્યુકેશન યુથના વડા મેરિઅન કોહેન તેમજ બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસમાં ડાયવર્સિટી એન્ડ, ઈન્ક્લુઝનના કાર્યકારી વડા અને BTP‘હિન્દુ પોલીસ એસોસિયેશન’ના અધ્યક્ષ વનિતા પટેલનો સમાવેશ થયો હતો. પેનલિસ્ટોએ તેમના અંગત અનુભવો વર્ણવી રચનાત્મકતા, દયા અને કગોમ્યુનિટી ઈમ્પેક્ટના મહત્ત્વ વિશે જણાવ્યું હતું.
પ્રખ્યાત લો ફર્મ ડન્કન લેવિસ સોલિસિટર્સ ખાતે સોલિસિટર એડવોકેટ અને ફેમિલી લો ડાયરેક્ટર રવિ કૌર માહેએ સભાને સંબોધન કર્યું હતું. BAPS UK & Europeખાતે સીનિયર વોલન્ટીઅર રેના અમીને વિશ્વના વ્યાપક કલ્યાણ માટે આપણે અન્યોની નિઃસ્વાર્થ સેવા કરવી જોઈએ તેવી પૂજ્ય મહંત સ્વામી મહારાજની શીખામણ ઉપરાંત, વિવિધતામાં એકતા જ આપણી તાકાત હોવાનો તેમનો ઉપદેશ યાદ કર્યો હતો.