નેશવિલઃ અમેરિકાની ધરતી પર અત્યાર સુધી કુલ સાત શિખરબદ્ધ મંદિર હિન્દુ ધર્મની ધજા લહેરાવી રહ્યા હતા, હવે તેમાં આઠમા મંદિર તરીકે ઉમિયા મંદિરનું નામ ઉમેરાયું છે. નેશવિલ શહેરમાં 22 એકર જમીનમાં સાકાર થયેલા આ શિખરબદ્ધ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 21થી 23 જૂન દરમિયાન રંગેચંગે યોજાયો હતો. આ પ્રસંગે ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ, ઉપપ્રમુખ તેમ જ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણ દિવસીય મહોત્સવમાં 25 હજારથી વધારે ગુજરાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. પહેલી વાર આટલી મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા.
50 ગામના લોકોનું અનુદાન
અમેરિકામાં સાકાર થયેલા ઉમિયા મંદિરના પ્રમુખ અશોક બી. પટેલ અને કમિટીના સભ્યો અથાગ પ્રયાસથી આ મંદિરનું નિર્માણ સાકાર થયું છે. મંદિરના પ્રમુખ અશોકભાઇના જણાવ્યા અનુસાર ગુજરાતનાં 50 ગામના લોકોએ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે. 83 કરોડ રૂપિયાના ખર્ચે મંદિરનું નિર્માણ કરાયું છે. ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે, નવી પેઢી સંસ્કૃતિ સાથે સંકળાયેલી રહે તે માટે મંદિરની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં તમામ ભારતીય પર્વની ઉજવણી કરવામાં આવશે. 275 જેટલા પાયાના સભ્યો તૈયાર કરવામાં આવ્યા છે. સાથે સાથે તેમની માટે પૃષ્ટિ યજ્ઞનું આયોજન પણ કરાયું હતું.
9 વર્ષે સંકલ્પ સાકાર
આ ઉમિયા માતાના મંદિરનો સંકલ્પ 2015માં થયો હતો. આ પછી 2016માં નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર આયોજન તબક્કાવાર હાથ ધરાયું હતું અને મંદિરને તૈયાર કરવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો હતો. મંદિરને મળેલા દાનનો ઉપયોગ ભોજનાલય, ગુજરાતી શીખવવામાં કરાશે. વિદેશની ધરતી પર ઓછા ખર્ચે હિન્દુ રીતિરિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવશે. ઉમિયા ધામ - નેશવિલ ખાતે 42 કડવા પાટીદાર સમાજની સાથે તમામ સમાજ સંકળયેલા છે. આ મહોત્સવમાં ઉમિયા ધામ મહિલા પાવર ગ્રૂપ દ્વારા મેંદી અને સંગીત ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.