લંડનઃ અલગ પ્રકારની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓની સારસંભાળ તથા ઓટિઝમગ્રસ્ત લોકોના સ્વીકાર, શિક્ષણ અને સંઘર્ષ વિશે જાગરૂકતા કેળવવાના હેતુસર ઈન્ટરનેશનલ ઓટિસ્ટિક એન્ડ કોમ્પ્લેક્સ નીડ્ઝ (IA&C), આઈ એમ પોસિબલ ફેમિલી તેમજ ‘અમૃત’ પટેલ દુગ્ધાલયના સભ્યો દ્વારા નેહરુ સેન્ટર ખાતે ધ ઓટિઝમ એક્સેપ્ટન્સ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. IA&Cઅને આઈ એમ પોસિબલ ફેમિલીના સ્થાપક, કોમ્યુનિટી લીડર, ફ્રીલાન્સ ઓટિઝમ કન્સલ્ટન્ટ અને જાહેર વક્તા મિસ ગીતા ચૌધરીએ આ ઈવેન્ટનું નેતૃત્વ સંભાળ્યું હતું.
યજમાન અને ન્યૂરોસાયન્સના વિદ્યાર્થી યુવરાજસિંહ જાડેજાના સ્વાગત પ્રવચન પછી શ્રીમતી સ્વાતિ લક્ષ્મીશા અને શ્રીમતી લક્ષ્મી રાવ દ્વારા સંસ્કૃતમાં દિવ્ય પ્રાર્થના અને સ્તુતિઓ કરાઈ હતી. વિવિધ લોકોએ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. પ્રસિદ્ધ વીણા ઉસ્તાદ અથાના વિદ્વાનના પૌત્ર વિદ્વાન પ્રમોદ રુદ્રપત્ના પ્રસન્ના કુમારના મનમોહક વીણાવાદનમાં અનિરુદ્ધજીએ તબલામાં સંગત આપી હતી. માસ્ટર પ્રિતેશે ‘રઘુપતિ રાઘવ’ ભજન ગાયું હતું. 13 વર્ષીય ડ્રમર માસ્ટર વલ્લભે ‘ધ બીટલ્સ- કમ ટુગેધર’ની રજૂઆત કરી હતી.
ઈવેન્ટના સહાયક કો-ઓર્ડિનેટર શ્રીમતી અંકિતા ચૌધરીએ વક્તાઓનો પરિચય આપ્યો હતો. સીનિયર લેક્ચરર અને ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ડો. સ્ટીવ સ્ટાગે ઓટિઝમ ડિસઓર્ડરના વિશિષ્ટ લક્ષણો તેમજ બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી સાથે કરાયેલા સર્વે વિશે સરળ સમજ આપી હતી. ઓટિઝમ સ્પેશિયલ સ્કૂલના હેડ ટીચર શ્રીમતી ફૌજીઆ ગોવેન્ડરે ડિસઓર્ડરની ઓળખથી માંડી સ્વીકાર અને નિદાન પછી પરિવારોને ઓટિસ્ટિક બાળકોના ઉછેરમાં પડતી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી.
મહંત મહામંત્રાદાસજી, ડો. સ્ટાગ અને મિસ ગોવેન્ડર દ્વારા સર્ટિફિકેટ્સનાં વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. મિસ ગીતા ચૌધરીએ આભાર પ્રસ્તાવમાં નેહરુ સેન્ટર અને ભારતીય હાઈ કમિશનર તેમજ રાધિકાબા અને જગદીશ ચૌધરી, હિનાબા, વિવિતાજી, મિ. એચ. ચૌધરી, મિ. નાયડુ અને સ્વાગત જ્વેલર્સ સહિત સંકળાયેલા તમામ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.