લંડનઃ શીખ સમુદાય દ્વારા સંચાલિત પોપ – અપ ફૂડ બેંકના વોલન્ટિયરે જણાવ્યું હતું કે શહેરમાં હાડમારી ભોગવતા લોકોની સંખ્યા વધી રહી છે અને તેમને મદદ કરવાની ખૂબ જરૂર છે. કોરોના મહામારીને લીધે નાઈટ શેલ્ટર બંધ કરાતા નોર્ધમ્પટનના ગુરુદ્વારા સાહિબ દ્વારા શરૂ કરાયેલી માસિક સેવામાં રાજ બસ્સાન મદદરૂપ થાય છે. ગયા વર્ષે દર મહિને લગભગ ૩૦ લોકોએ હાજરી આપી હતી પરંતુ, ત્યાર પછી તે સંખ્યા વધીને ૮૦ થઈ છે.
ટીવી બ્રોડકાસ્ટર અને ફાઈનાન્સ એક્સપર્ટ માર્ટિન લુઈસ દ્વારા રચાયેલા કોરોના વાઈરસ ફંડમાંથી ૧૦,૦૦૦ પાઉન્ડ મેળવ્યા પછી કોર્નવોલ સ્ટ્રીટ પર આવેલા ગુરુદ્વારા સાહિબે ફૂડ બેંક શરૂ કરી હતી. આ ફૂડ બેંક જુલાઈમાં શરુ થઈ ત્યારથી ફૂડ બેંકે સેંકડો લોકોને ફૂડ, ટોઈલેટરીઝ અને ક્લિનિંગ પ્રોડક્ટ્સ આપીને મદદ કરી છે. ફંડિંગનો પ્રયાસ શરૂ કરનારા ઈન્દરજીત કૌર જૂટલાએ જણાવ્યું કે અમને ફંડ મળ્યું ત્યારે અમે ખૂબ પ્રસન્ન થયા હતા. આ પ્રોજેક્ટથી એક સમુદાય તરીકે અમે સૌ સંગઠિત થયાં છીએ.
ફૂડ બેંકે લોકલ પ્રાઈમરી સ્કૂલો જરુરતમંદ પરિવારોને ફૂડ પાર્સલ આપી શકે તે માટે અને દર મંગળવારે હોમલેસ લોકો માટે ભોજન તૈયાર કરી શકે તે માટે તેમને નાણાં આપ્યા છે. બસ્સાને જણાવ્યું કે આ પરિસ્થિતિમાં જીવતા લોકોની સંખ્યા વધી રહી છે તે જોઈને ખૂબ દુઃખ થાય છે. અમે જે લોકોને મદદ કરીએ છીએ તેમના ચહેરા પર સ્મિત જોઈને અમે આનંદનો અનુભવ થાય છે. કેટલાંક લોકોની વાત હૃદયસ્પર્શી છે. લોકો હતાશામાંથી બહાર આવી ગયા છે. તેમણે નવી જોબ શોધી લીધી છે અને અમને હવે ફૂડ જોઈતું નથી, અમે આપના ખૂબ આભારી છીએ તેમ જણાવતી નોંધ પણ મોકલે છે.