ન્યૂ યોર્કઃ ન્યૂ જર્સી સ્થિત ગાયત્રી મંદિરે ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી બાદ 15 સપ્ટેમ્બરે વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક હજારથી વધુ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવપૂર્વક વિઘ્નહર્તાને વિદાય આપી હતી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડો. પ્રણવભાઈ પંડ્યાજીની પ્રેરણા અને માર્ગદર્શન થકી ન્યૂજર્સી સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર દ્વારા દરેક હિન્દુ તહેવારોની રંગેચંગે ઉજવણી કરાય છે.
ન્યૂ જર્સીના પિસ્કાત્વેમાં આવેલા મંદિરે અમિતભાઈ પટેલ અને ગ્રૂપ દ્વારા ગણેશભજન, કૃષ્ણભજન તથા માતાજીના ગરબાનો સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. ન્યૂ જર્સી સ્ટેટ તથા આજુબાજુનાં વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં ગાયત્રી મંદિરનું પટાંગણ, ટેન્ટ, પાર્કીંગ લોટ બધું ખીચોખીચ ભરાઈ ગયું હતું. કેસરી ડ્રેસમાં સજ્જ સ્યવંસેવકોએ સમગ્ર આયોજન સુપેરે સંભાળ્યું હતું અને લોકોએ પણ તેમને ખૂબ સહકાર આપ્યો હતો. ગાયત્રી પરિવારનાં પરિજનોથી લઇ તમામ ભક્તો, અબાલવૃદ્ધોએ આનંદપૂર્ણ માહોલમાં ગુલાલ અને રંગની છોળો વચ્ચે ગણપતિને વિદાય આપી હતી. આ પ્રસંગે યોજાયેલા ફાયરવર્કસમાં રંગબેરંગી આતશબાજી નિહાળી ભૂલકાંઓને મજા પડી ગઇ હતી. સંસ્થાની વધુ વિગત માટે જૂઓ વેબસાઇટ www.gayatricenter.org