ન્યૂ જર્સીઃ બિનફાકારી સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) ના 1000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 જુલાઈએ ન્યૂ જર્સીના પાર્સિપાન્નીની ધ હિલ્ટન હોટેલ ખાતે યુક્રેન કટોકટીના અસરગ્રસ્તો માટે ભોજનનો સામૂહિક કોમ્યુનિટી સર્વિસ ઈવેન્ટ યોજાયો હતો. વોલન્ટીઅર્સે 100,000 ભોજનનું પેકિંગ કર્યું હતું. આ પેકિંગ ઈવેન્ટમાં પાર્સિપેન્નીના મેયર જેમ્સ બાર્બેરિઓ, ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલ, NYCના મેયર એરિક આડમ્સ વતી ડેપ્યુટી કમિશનર દિલિપ ચૌહાણ, ઓફિસ ફોર ઈન્ટરનેશનલ અફેર્સના પ્રમુખ રવિ કોહલી, પ્રથમ પેઢીની યુક્રેની અમેરિકન મિસ ન્યૂ જર્સી USA એલેકઝાન્ડ્રા લખમાન સહિતના આમંત્રતો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના જણાવ્યા અનુસાર SRLCના સ્થાપક ગુરુદેવ શ્રી રાકેશજી પણ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્ર મિશન - ધરમપુર (SRMD)ની સ્થાપના કરી હતી. પાર્સિપેન્ની ખાતે આ સામૂહિક મહાપ્રયાસમાં 1000 થી વધુ વોલન્ટીઅર્સ 100,000 મીલ્સનું પેકિંગ કરવા એકત્ર થયા હતા જેમનો હેતુ પૂર્વ યુરોપમાં યુદ્ધના કારણે સર્જાયેલી માનવીય કટોકટીના અસરગ્રસ્તોને મદદ કરવાનો હતો.
કોન્સલ જનરલ જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘અહી જોવાં મળતી ઊર્જાથી હું રોમાંચિત છું જેનાથી તમે માત્ર અહીંના લોકો સાથે નહિ પરંતુ, સમગ્ર વિશ્વના લોકો સાથે જોડાઈ રહ્યા છો.’ ન્યૂ યોર્ક સિટીના મેયર એરિક આડમ્સે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીનું સન્માન કર્યું હતું જે ડેપ્યુટી કમિશનર દિલિપ ચૌહાણ દ્વારા અપાયું હતું. મેયરે 15 જુલાઈ 2022ને ન્યૂ યોર્ક સિટીમાં ‘શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર ડે’ તરીકે જાહેર કર્યો હતો. ચૌહાણે આ ઈવેન્ટને SRLCના સ્વયંસેવકો દ્વારા અભૂતપૂર્વ અને પ્રશંસનીય કાર્ય તરીકે ગણાવ્યો હતો.