નવી દિલ્હીઃ બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિશેષ આશીર્વાદ પાઠવ્યા છે. સંસ્થાના સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ 19 ઓગસ્ટના રોજ પાટનગર નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને આ વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમણે અબુધાબીમાં સાકાર થયેલા બીએપીએસ મંદિરનું ઉદઘાટન 14 ફેબ્રુઆરી2024ના રોજ કરવા માટે પ.પૂ. મહંત સ્વામીએ આશીર્વચન આપ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત બ્રહ્મવિહારી સ્વામીએ નરેન્દ્રભાઇને અમેરિકામાં સ્વામિનારાયણ અક્ષરધામ-રોબિન્સવિલ ખાતે ચાલતા ‘પ્રેરણા ઉત્સવ’ના અપડેટ્સ પણ આપ્યા હતા. બીએપીએસ સંતો અને સ્વયંસેવકો દ્વારા વૈશ્વિક કલ્યાણ માટે ચાલી રહેલા સાર્વત્રિક સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્ય અંગે વડાપ્રધાન મોદીએ ધ્યાનપૂર્વક જાણકારી મેળવીને ઊંડી પ્રશંસા કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.